આખરે ઘીના ઠામમાં ઘી ઢળશેઃ એમેઝોન - ફ્યૂચર ગ્રૂપ મંત્રણા માટે સંમત

Saturday 12th March 2022 06:05 EST
 
 

મુંબઇ: અમેરિકાની ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોને અદાલતમાં ચાલી રહેલી કાનૂની લડાઈના અંત માટે ફ્યૂચર ગ્રૂપને ફરી એક વાર ચર્ચાવિચારણાનો પ્રસ્તાવ મૂક્યો છે. તો કિશોર બિયાણીના નેતૃત્વ હેઠળના ફ્યૂચર ગ્રૂપે પણ મંત્રણા દ્વારા વિવાદનો ઉકેલ શોધવા અંગે સહમતી દર્શાવી છે. સુપ્રીમ કોર્ટે બન્ને પક્ષોને મંત્રણા મારફતે સમસ્યાનો ઉકેલ શોધવા માટે 15 માર્ચ સુધીનો સમય આપ્યો છે.
ત્રીજી માર્ચે કોર્ટમાં સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે ત્રણેય પક્ષકારો - એમેઝોનડોટકોમ, ફ્યૂચર રિટેલ (એફઆરએલ) અને તેની પ્રમોટર ફ્યૂચર કૂપન્સ પ્રા.લિ.ને સમાધાનનો માર્ગ શોધવા જણાવ્યું હતું. કોર્ટના આ પ્રસ્તાવ સાથે તમામ પક્ષકારોને વકીલોએ સહમતી દર્શાવી હતી.
એમેઝોને તેના વકીલ મારફતે ફ્યૂચર રિટેલ સાથે વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો હતો. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન તેમણે જણાવ્યું હતું કે કાનૂની પ્રક્રિયાની આંટીઘૂંટીને કારણે કેસ ઘણો લંબાઈ ગયો છે. આ સ્થિતિમાં વાતચીત જરૂરી છે. આના જવાબમાં ફ્યૂચર ગ્રૂપના વકીલે એમેઝોન સાથે વાતચીત માટે સહમતી દર્શાવી હતી. કોર્ટે પણ આને શેરધારકોના હિતની બાબત ગણાવી આવકારી હતી.
ત્રણ વર્ષથી કાનૂની વિખવાદ
એમેઝોન અને ફ્યૂચર જૂથ વચ્ચે ઓગસ્ટ 2019થી કાનૂની વિખવાદ ચાલુ છે. એમેઝોને ફ્યૂચર રિટેલની પ્રમોટર કંપની ફ્યૂચર કૂપન્સમાં રૂ. 1,500 કરોડમાં 49 ટકા હિસ્સો ખરીદ્યો હતો. એક વર્ષ બાદ ઓગસ્ટ 2020માં ફ્યૂચર જૂથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે 3.4 બિલિયન ડોલરનો એસેટ-સેલ સોદો કર્યો હતો. આથી એમેઝોને ફ્યૂચર જૂથ સામે કોર્ટ કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં સિંગાપોર ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટરે એમેઝોનની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. આ ચુકાદાને ફ્યૂચર જૂથે દિલ્હી કોર્ટમાં પડકાર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter