વોશિંગ્ટન: અગ્રણી ભારતીય–અમેરિકન ગણિતશાસ્ત્રી અને આંકડાશાસ્ત્રી કાલ્યમપુડી રાધાકૃષ્ણન્ રાવ (સી.આર. રાવ)ને તેમણે 75 વર્ષ અગાઉ કરેલા સીમાચિહ્નરૂપ સંશોધન કાર્ય બદલ વર્ષ 2023ના ઈન્ટરનેશનલ પ્રાઈઝ ઈન સ્ટેટેસ્ટિક્સ માટે પસંદગી કરવામાં આવી છે. આંકડાકીય વિચારણામાં ક્રાંતિ લાવનારું રાવનું આ સંશોધન આજે પણ વિજ્ઞાનના ઘણા ક્ષેત્રોમાં જબરદસ્ત અસર ધરાવે છે તેમ આ પારિતોષિક આપનારી સંસ્થા સ્ટેટેસ્ટિક્સ ફાઉન્ડેશને જણાવ્યું હતું. આંકડાશાસ્ત્રના ક્ષેત્રમાં આ પારિતોષિકને નોબલ પારિતોષિક સમકક્ષ ગણવામાં આવે છે.
હાલ 102 વર્ષની વયના સી.આર રાવ 80,000 ડોલરની ધનરાશિ સાથેના આ એવોર્ડને જુલાઇમાં કેનેડાના ઓટ્ટાવા શહેરમાં યોજાનારા સમારોહમાં સ્વીકારશે. જુલાઇમાં ઇન્ટરનેશનલ સ્ટેસ્ટિકલ ઇન્સ્ટિટયુટ દ્વારા યોજાનારી તેની દ્વિવાર્ષિક વર્લ્ડ સ્ટેટેસ્ટિક્સ કોંગ્રેસમાં રાવને આ પારિતોષિક એનાયત કરવામાં આવશે.
આંકડાકીય વિચારધારામાં ક્રાંતિ
સ્ટેસ્ટિક્સ ફાઉન્ડેશનમાં ચેર ઓફ ઇન્ટરનેશનલ પ્રાઇઝ ગાય નેસોને જણાવ્યું હતું કે આ પારિતોષિક આપીને અમે સી.આર. રાવ દ્વારા કરવામાં આવેલા ક્રાંતિકારી સંશોધનને બિરદાવીએ છીએ. આ સંશોધને આંકડાકીય વિચારધારામાં ક્રાંતિ સર્જી હતી એટલું જ નહીં આજે પણ વિજ્ઞાનની વિવિધ શાખાઓની માનવ સમજ વિસ્તારવામાં તે મહત્ત્વપૂર્ણ બની રહ્યું છે.
રાવે 1945માં કોલકતા મેથેમેટિકલ સોસાયટીના બુલેટિનમાં પ્રકાશિત કરેલા તેમના અભ્યાસમાં ત્રણ પાયારૂપ પરિણામો દર્શાવ્યા હતા જેણે આજના આધુનિક આંકડાશાસ્ત્રનો માર્ગ કંડાર્યો હતો. તેમાં પુરાં પાડવામાં આવેલા આંકડાકીય સાધનો આજે પણ મોટાપાયે વપરાય છે. તેમણે કરેલા સંશોધનનો ઉપયોગ રડાર્સ અને એન્ટેનાના નવા સંશોધનોમાં થાય છે. આ સંશોધને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ, સિગ્નલ પ્રોસેસિંગ,શેપ ક્લાસિફિકેશન અને ઇમેજ સેગ્રેગેશનને આગળ ધપાવવામાં મહત્વનું પ્રદાન કરેલું છે.
102 વર્ષના માનદ્ પ્રોફેસર
કર્ણાટકમાં હડગાલી ગામમાં તેલુગુ પરિવારમાં જન્મેલા રાવનું શાળાશિક્ષણ આંધ્ર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં થયું હતું. આંધ્ર યુનિવર્સિટીમાં સ્ટેટેસ્ટિક્સમાં એમએસસી કર્યા બાદ તેમણે 1943માં કોલકતા યુનિવર્સિટીમાંથી એમએ કર્યું હતું. કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે કિંગ્સ કોલેજમાંથી તેમણે પીએચડી મેળવી હતી. એ પછી તેમણે ડીએસસી ડિગ્રી પણ કેમ્બ્રિજમાંથી જ 1965માં મેળવી હતી. રાવે પ્રથમ ઇન્ડિયન સ્ટટેસ્ટિકલ ઇન્સ્ટિટયુટમાં અને કેમ્બ્રિજમાં એન્થ્રોપોલોજિકલ મ્યુઝિયમમાં કામ કર્યું હતું. એ પછી તેમણે દેશ-વિદેશમાં ઘણાં મહત્વના હોદ્દાઓ પર કામ હતું.
તેઓ 102 વર્ષની વયે યુએસની બફેલો યુનિવર્સિટીના રિસર્ચ પ્રોફેસર અને પેન્સિલવેનિયા યુનિવર્સિટીના માનદ્ પ્રોફેસર છે. ભારત સરકારે તેમને 1968માં પદ્મભૂષણ એવોર્ડ આપ્યો હતો. તે પછી 2001માં સરકાર દ્વારા તેમને પદ્મવિભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
આંકડાશાસ્ત્રના ક્ષેત્રમાં નોબેલ સમકક્ષ ગણાતું ધ ઇન્ટરનેશનલ પ્રાઇઝ ઇન સ્ટેટેસ્ટિકસ દર બે વર્ષે પાંચ અગ્રણી ઇન્ટરનેશનલ સ્ટેટેસ્ટિક્સ સંગઠનોના સહયોગથી આપવામાં આવે છે. જુલાઇમાં આ પારિતોષિક સીઆર રાવને એનાયત કરવામાં આવશે.