ઓનલાઇન ભણો છો તો યુએસ છોડોઃ ટ્રમ્પની નવી વિઝા પોલીસી સામે દેશનાં જ ૧૭ રાજ્યો અને કંપનીઓનો વિરોધ

Tuesday 14th July 2020 06:35 EDT
 
 

અમેરિકાઃ સપ્ટેમ્બરથી યુએસમાં શાળા-કોલેજો શરૂ કરવાની જિદ સાથે ટ્રમ્પ સરકારે નવી શૈક્ષણિક ગાઈડલાઈન જારી કરી છે કે, અમેરિકી યુનિવર્સિટીમાં એડમિશન મેળવી ચૂકેલા જે વિદ્યાર્થીઓ ફક્ત ઓનલાઈન એજ્યુકેશન લઈ રહ્યાં છે તેમને એફ-૧ કે એમ-૧ વિઝા નહીં મળે. એવા લોકો જો એફ-૧ કે એમ-૧ વિઝા મેળવી ચૂક્યા છે તો તેમને તેના આધારે અમેરિકામાં પ્રવેશવા નહીં દેવાય. જો આવા વિદ્યાર્થીઓ અમેરિકામાં રહે છે તો આગામી સેમેસ્ટરથી તેમનું એફ-૧ કે એમ-૧ સ્ટેટસ સમાપ્ત કરીને ડિપોર્ટ કરાશે. આ નિર્દેશ એ વિદ્યાર્થીઓને પ્રભાવિત નહીં કરે જે પ્રત્યક્ષ રીતે ક્લાસમાં જઈને ભણે છે. ઓનલાઈન અને વ્યક્તિગત બંને પ્રકારના ક્લાસમાં જનારા વિદ્યાર્થીઓ પર પણ તેની અસર નહીં થાય. એમ-૧ વોકેશનલ પ્રોગ્રામના વિદ્યાર્થીઓ અને એફ-૧ અંગ્રેજી ભાષા પ્રશિક્ષણના વિદ્યાર્થીઓને પણ કોઈ પણ ઓનલાઈન ક્લાસની મંજૂરી નહીં મળે.
નિર્ણયથી બે અસર થશે
અમેરિકી શિક્ષણ સંસ્થાઓ વિદેશી વિદ્યાર્થી પાસેથી વર્ષે ૩ લાખ કરોડ કમાય છે આથી તેમના પર કેમ્પસમાં ભણાવવાનું દબાણ વધશે. હાર્વર્ડ સહિત કેટલીક યુનિ.એ ઓનલાઈન કોર્સ શરૂ કર્યાં છે. તેમાં ભણનારાએ પરત ફરવું પડશે.
પોલીસી અંગે કોર્ટમાં અરજી
હાર્વર્ડ યુનિવર્સિટી અને મેસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (MIT)એ આ નિર્ણયને કોર્ટમાં પડકારતાં ફેડરલ કોર્ટને આઠમીએ જણાવ્યું કે, ટ્રમ્પ સરકારે કોરોના સંકટના કારણે જે કોર્સ ઓનલાઇન થઇ જવાના છે તેમના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ડિપોર્ટ ન કરવા જોઇએ. બંને યુનિવર્સિટી દ્વારા બોસ્ટનમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કરાયેલી અરજીમાં ૬ જુલાઇનો સરકારી આદેશ રદ કરવા અનુરોધ કરાયો છે. અરજીમાં ટ્રમ્પ સરકારના આદેશને ગેરકાયદે ગણાવાયો છે. આ બંને યુનિવર્સિટી સહિત યુએસમાં જ ૬૦થી વધુ વિશ્વવિદ્યાલયો, ગૂગલ, ફેસબુક, માઇક્રોસોફ્ટ સહિત ૧૦થી વધુ ટેકનોલોજી કંપનીઓ અને ૧૭ રાજ્યોએ આ પોલીસી અંગે ટ્રમ્પ પ્રશાસન વિરુદ્ધ કેસ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૮-૧૯ શૈક્ષણિક વર્ષમાં અમેરિકામાં ૧૦ લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ હતા. માત્ર મેસાચુસેટ્સમાં જ ૭૭ હજારથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ છે જેઓ દર વર્ષે અમેરિકાની અર્થવ્યવસ્થામાં ૩.૨ બિલિયન ડોલરનું યોગદાન આપે છે.
નવી ગાઈડલાઈનથી ભારતીય વિદ્યાર્થીઓને મુશ્કેલી
અમેરિકા સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય વિદ્યાર્થીના મુદ્દે ચિંતા વ્યક્ત કરતાં ૯મી જુલાઈએ પણ જાહેર કર્યું હતું કે, ટ્રમ્પ સરકારે માત્ર ઓનલાઈન ક્લાસ ભરતા વિદેશી સ્ટૂડન્ટ્સને સ્વદેશ જવાનો આદેશ કર્યો હોવાથી ભારતના અઢી લાખ જેટલાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. નવી પોલીસીથી ખાસ તો એફ-૧ કેટેગરીના વિઝા લઈને અમેરિકા આવેલા અસંખ્ય સ્ટુડન્ટ પર ઘરે આવવાનું દબાણ વધશે. દૂતાવાસે કહ્યું કે ભારતની સરકારની આ મુદ્દે અમેરિકન સરકાર સાથે વાતચીત ચાલે છે.
ભારતના વિદેશ સચિવે તુરંત જ અમેરિકાના ઉપ વિદેશ પ્રધાનને આ અંગે રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ૧૧-૧૨ લાખ કરતાં વધુ વિદેશી વિદ્યાર્થી ભણી શકે છે. આ વિદેશી વિદ્યાર્થી અમેરિકાને વર્ષે ૪૧ અબજ ડોલરની કમાણી કરાવે છે. ભારતના અઢી લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ અમેરિકાના અર્થતંત્રમાં વર્ષે સાત અબજ ડોલરનો ફાયદો કરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter