કાશ્મીર મુદ્દે મધ્યસ્થી માટે હું તો તૈયાર, પણ ભારત ના પાડે છેઃ ટ્રમ્પ

Wednesday 25th September 2019 05:53 EDT
 
 

યુનાઇટેડ નેશન્સઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન સોમવારે ફરી એક વખત કાશ્મીર મુદ્દા સાથે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા, અને ફરી એક વખત તેમને ફટકો ખમવો પડયો હતો. પ્રમુખ ટ્રમ્પે તેમનું અગાઉનું વલણ બદલતાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કાશ્મીર મુદ્દે તેઓ મધ્યસ્થી માટે તૈયાર છે, પરંતુ બંને પક્ષો તૈયાર હોય તો જ અને ભારતે સ્પષ્ટપણે આ મુદ્દે ત્રીજા પક્ષની મધ્યસ્થતાનો ઈનકાર કર્યો છે.
યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી પૂર્વે સોમવારે વડા પ્રધાન ઈમરાન ખાને અમેરિકી પ્રમુખને મળ્યા હતા. આ બેઠકમાં તેમણે કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે વિશ્વના સૌથી શક્તિશાળી દેશ તરીકે અમેરિકાની આ જવાબદારી છે. કાશ્મીર મુદ્દો ખૂબ જ મોટો બની શકે છે. આ રજૂઆતના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે હું મધ્યસ્થી માટે તૈયાર છું. હું તેના માટે આતુર પણ છું અને મધ્યસ્થી કરવા સક્ષમ પણ છું. હું ખૂબ જ સારો આર્બિટ્રેટર પણ છું. જોકે, આ ખૂબ જ જટિલ મુદ્દો છે અને તે ઘણા લાંબા સમયથી ચાલ્યો આવે છે. જોકે, બંને પક્ષો તૈયાર હોય તો જ હું મધ્યસ્થી માટે તૈયાર છું. અને ભારતે આ વિવાદમાં ત્રીજા પક્ષની મધ્યસ્થતાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.

ઇમરાન સામે મોદીની પ્રશંસા

વડા પ્રધાન મોદી સાથે ‘હાઉડી મોદી’માં એક મંચ પર આવ્યાના બીજા દિવસે ટ્રમ્પે ઈમરાન ખાનની હાજરીમાં જ કાર્યક્રમની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું વડા પ્રધાન મોદી સાથે મારે ખૂબ જ સારા મૈત્રીપૂર્ણ સંબંધો છે. ઈમરાન ખાન સાથે પણ મારે સારા સંબંધો છે. હું સારો આર્બિટ્રેટર પણ છું અને હું આર્બિટ્રેટર તરીકે ક્યારેય નિષ્ફળ પણ નથી ગયો તેમ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે પત્રકારો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના સીધા જવાબ આપવાનું ટાળતા કહ્યું હતું.
‘હાઉડી મોદી’નો ઉલ્લેખ કરતાં ટ્રમ્પે કહ્યું કે મેગા રેલીમાં વડા પ્રધાન મોદી કલમ ૩૭૦ મુદ્દે ખૂબ જ આક્રમક હતા અને ત્યાં હાજર રહેલા લોકો તેમને ખૂબ સારી રીતે સાંભળતા હતા. મને આશા છે કે ભારત -પાકિસ્તાન કાશ્મીર વિવાદનો સારો હોય તેવો ઉકેલ શોધી લેશે.

પાક. પત્રકારની હાંસી ઉડાવી

ઈમરાન સાથેની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં ટ્રમ્પે બે વખત પાકિસ્તાની પત્રકારોની મજાક ઉડાવી હતી. એક પત્રકારે કહ્યું કે અમેરિકાને આટલા સારા પ્રમુખ પહેલી વખત મળ્યા છે. તો ટ્રમ્પે કહ્યું કે તમે આમ માનો છો પણ પાકિસ્તાન અંગે મારું વલણ ઘણું કડક છે. એક પત્રકારે કાશ્મીર અંગે કહ્યું કે ત્યાં ૫૦ દિવસથી ઈન્ટરનેટ, ફૂડ બધું બંધ છે. તો ટ્રમ્પે ઈમરાન સામે જોઈને કહ્યું કે તમે આવા રિપોર્ટર ક્યાંથી લઈ આવો છો?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter