વોશિંગ્ટનઃ અમેરિકામાં 41 વર્ષના ગુજરાતી યુવાનની પત્ની અને સંતાનોની હત્યાના પ્રયાસ અને બાળ શોષણના ગુનામાં ધરપકડ કરાઇ છે. ધર્મેશ અરવિંદ પટેલે જાણીજોઇને પત્ની અને બે બાળકો સાથે તેની ટેસ્લા કાર એક પહાડ પરથી નીચે ખીણમાં પાડી દીધી હોવાનું પોલીસનું માનવું છે.
કેલિફોર્નિયા હાઇવે પેટ્રોલિંગ પોલીસે જણાવ્યું કે પાસાડેનામાં રહેતા આરોપી ધર્મેશ પટેલને હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ જેલહવાલે કરાશે. ચારેયને સાન મેટો કાઉન્ટીમાં ડેવિલ્સ સ્લાઇડ ખાતેથી બચાવાયા હતા. ધર્મેશ અને તેની પત્નીને હેલિકોપ્ટર ટીમે બચાવ્યા જ્યારે તેમના પુત્ર અને પુત્રીને ફાયર ડિપાર્ટમેન્ટની ટીમે બચાવ્યા હતા.
પોલીસના જણાવ્યાં અનુસાર ધર્મેશ એ. પટેલ નામના 41 વર્ષીય યુવકે ઈરાદાપૂર્વક પત્ની અને બે બાળકો સાથે ઊંચા પહાડો પરથી પોતાની ટેસ્લા કાર ખીણમાં ધકેલી હતી. હાલમાં આરોપી તથા તેના પરિવારને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આશરે 300 ફૂટ ઊંડી ખીણમાંથી તમામ લોકોને સલામત બચાવવાના આ કાર્યને પોલીસ અને સ્થાનિક અખબારોએ ચમત્કારિક ગણાવ્યું હતું.
આ સમગ્ર ઘટના અંગે માહિતી આપતા કેલિફોર્નિયા હાઈવે પેટ્રોલિંગના અધિકારીએ જણાવ્યું હતું કે ધર્મેશ પટેલ, તેની પત્ની અને બે બાળકોને મેટો કાઉન્ટી સ્થિત ડેવિલ્સ સ્લાઈડ ખાતેથી ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં. બચાવ દળોએ ભારે જહેમત બાદ ધર્મેશ, તેની પત્ની, 4 વર્ષની પુત્રી અને 9 વર્ષના પુત્રને ખીણમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતાં.
ઇરાદાપૂર્વક કરાયેલું કૃત્ય
એક સ્થાનિક અખબારના અહેવા મુજબ ઘટનાના પુરાવાના આધારે આ ઈરાદાપૂર્વક કરાયેલું કૃત્ય હોઈ શકે છે. કેલિફોર્નિયાના વન અને અગ્નિશામક દળના અધિકારીના જણાવ્યાં અનુસાર આટલે ઊંચેથી ખીણમાં પડેલા લોકોનો જીવ બચવો એ ચમત્કાર જ કહી શકાય. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે બાળકોને નજીવી ઈજા પહોંચી છે, તેનું કારણ કદાચ ચાઈલ્ડ સીટ હોઈ શકે છે. પોલીસના જણાવ્યાં અનુસાર પ્રથમ દૃષ્ટિએ આ અકસ્માત હોય તેમ નથી જણાતું, પરંતુ જાણીજોઈને કરાયેલું કૃત્ય જણાય છે. પોલીસ ધર્મેશ વિરુદ્ધ ત્રણ જણની હત્યાનો પ્રયાસ અને બાળ શોષણનો ગુનો દાખલ કરશે.
અદભૂત અને આશ્ચર્યજનક રેસ્ક્યુ ઓપરેશન
ન્યૂ યોર્ક ટાઇમ્સે આ રેસ્ક્યુ ઓપરેશનને અદ્ભુત અને આશ્ચર્યજનક ગણાવ્યું છે. હાઇવે પેટ્રોલિંગ પોલીસે કહ્યું કે રેસ્ક્યુના સ્થળે ટેસ્લા કાર ૩૦૦ ફૂટ ઊંડી ખીણમાં ચકનાચુર હાલતમાં પડેલી મળી આવી હતી. પોલીસ અધિકારીઓએ કહ્યું કે અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે કાર જાણીજોઇને પહાડ પરથી નીચે પાડવામાં આવી હતી. રાહતની વાત એ છે કે આટલી ઊંચાઇ પરથી પડ્યા બાદ પણ ચારેયનો જીવ બચી ગયો.