જિયોએ સ્વીકારી એફબીની ફ્રેન્ડ રિક્વેસ્ટ

ફેસબુક ૫.૭ બિલિયન ડોલરમાં રિલાયન્સ જિયોનો ૯.૯૯ ટકા હિસ્સો ખરીદશે

Wednesday 29th April 2020 06:11 EDT
 
 

નવી દિલ્હી: દિગ્ગજ અમેરિકન કંપની ફેસબૂક અને ટોચની ભારતીય કંપની રિલાયન્સે હાથ મિલાવ્યા છે. ફેસબુકે ૫.૭ બિલિયન ડોલર (આશરે ૪૩,૫૭૪ કરોડ રૂપિયા)ના ખર્ચે જિયોના ૯.૯૯ ટકા શેર ખરીદવાનું જાહેર કર્યું છે. આ સ્ટોક ડીલ અંગે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ વીડિયો મેસેજ દ્વારા જાહેરાત કરી હતી. આ જાહેરાતના પગલે રિલાયન્સના શેરના ભાવમાં પણ ૮ ટકાનો તીવ્ર ઊછાળો જોવા મળ્યો હતો. આ મૂડીરોકાણ પછી રિલાયન્સ જિયોનું કદ વધીને રૂ. ૪.૬૨ લાખ કરોડ થશે. રિલાયન્સને ફાયદો એ થશે કે જિયોના દેવામાં ઘટાડો થશે, જ્યારે ફેસબૂકને ભારતમાં પ્રવેશનો લાભ મળશે.
ભારતમાં ટેકનોલોજી સેક્ટરમાં અત્યાર સુધીમાં નોંધાયેલું આ સૌથી મોટું ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ) છે. આ ડિલ હેઠળ ફેસબૂકને જિયોના શેર આપવામાં આવશે અને ફેસબૂકના પ્રતિનિધિને બોર્ડ ઓફ ડિરેક્ટરમાં પણ સ્થાન મળશે. ફેસબૂકના સૌથી મોટા વૈશ્વિક માર્કેટમાં ભારતનો સમાવેશ થાય છે. ભારતમાં ફેસબૂકના ૩૩ કરોડ સક્રિય વપરાશકારો છે, જ્યારે ફેસબૂકની માલિકીનું વોટ્સઅપ ૪૦ કરોડથી વધારે લોકો વાપરે છે. બીજી તરફ જિયોના ભારતમાં ૩૯ કરોડ વપરાશકારો છે.

ભારતમાં ભરપૂર તક

દુનિયાભરની ટેકનોલોજી કંપનીઓ માટે આગામી વર્ષોમાં ભારત સૌથી મોટું માર્કેટ છે. ફેસબૂક ઘણા સમયથી ભારતમાં વિવિધ રસ્તે પ્રવેશવા પ્રયત્નશીલ હતું. આમ ફેસબૂકનો આ નિર્ણય આગામી સમયમાં મહત્ત્વનો સાબિત થશે. બન્ને કંપનીઓએ જણાવ્યું હતું કે તેઓ ભેગા મળીને નવી નવી ટેકનોલોજીકલ પ્રોડક્ટ ડિઝાઈન કરશે અને યુઝર્સને વધુ સુવિધા મળે એ માટે પ્રયાસ કરશે. આમ તો આ ડિલ માર્ચના અંત સુધીમાં પૂર્ણ થવાની હતી, પરંતુ કોરોના મહામારીને કારણે થોડી મોડી થઈ હતી. આ ડિલને જોકે હજુ કમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ)ની મંજૂરી મળવાની બાકી છે.

એમેઝોન-ફ્લિપકાર્ટને ટક્કર

રિલાયન્સે આ વર્ષના આરંભે જ ઓનલાઈન શોપિંગ માટે જિયોમાર્ટ નામની એપ લોન્ચ કરી છે. ફેસબૂકના રોકાણથી હવે જિઓમાર્ટની યોજના વધારે મજબૂત બનશે અને વોટ્સઅપ દ્વારા જ નજીકના કરિયાણા સ્ટોર સાથે જોડાવાની સુવિધા પણ શરૂ થશે. લગભગ ૩ કરોડ કરિયાણા સ્ટોરને કનેક્ટ કરવાનું મુકેશ અંબાણીનું આયોજન છે. તેનાથી ઓનલાઈન શોપિંગમાં માસ્ટરી ધરાવતા એમેઝોન અને ફ્લિપકાર્ટને સીધી સ્પર્ધા મળશે.
રિલાયન્સ જિયો અત્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝની સબસિડિયરી છે અને એ એમ જ રહેશે. ફેસબૂકના રોકાણથી કંપનીના માલિકીહક્કોમાં કોઈ ફરક પડશે નહીં. ફેસબૂકે બ્લોગ પર આ અંગે લખ્યું હતું કે અમે ભારતીય કંપની સાથે કામ કરવા ઉત્સાહિત છીએ અને કોરોના મહામારી પૂરી થયા પછી પૂરી ક્ષમતા સાથે કામ કરીશું.

રિલાયન્સને દેવામુક્ત કરવા આયોજન

ભારતની સૌથી મોટી કંપનીઓ પૈકીની એક રિલાયન્સ પર અત્યારે રૂ. ૧.૫૩ લાખ કરોડનું દેવું છે. બીજી તરફ રિલાયન્સને દેવામુક્ત બનાવાની જાહેરાત મુકેશ અંબાણી અગાઉ કરી ચૂક્યા છે. ફેસબૂકનું આ રોકાણ એ દિશામાં મહત્ત્વનું કદમ મનાય છે. મુકેશ અંબાણીએ રિલાયન્સની એન્યુઅલ જનરલ મિટિંગ (એજીએમ)માં જણાવ્યું હતું કે જિયોને ઉભી કરવામાં રૂ. ૩.૫ લાખ કરોડ ખર્ચાયા છે.

ફેસબૂકની પ્રતિષ્ઠાની જિયોને અસર થશે?

ફેસબૂકની પ્રતિષ્ઠા ૨૦૧૭ પછી સતત ખરડાઈ રહી છે. અમેરિકી સંસદ સહિત અનેક ગણમાન્ય સંસ્થાઓએ ફેસબૂક પાસેથી માહિતી લિક થતી ન અટકાવી શકવા બદલ ખુલાસા માંગ્યા છે. યુરોપિયન યુનિયન અને અન્ય દેશોએ ફેસબૂક પર વપરાશકર્તાઓની માહિતી જાળવી ન શકવા બદલ તોતીંગ દંડ પણ ફટકાર્યા છે. ફેસબૂકના બોર્ડમાંથી જ માર્ક ઝકરબર્ગને રવાના કરવાની ડિમાન્ડ પણ થતી રહી છે. આમ સરવાળે અન્ય ટેકનોલોજી કંપનીઓની સરખાણીમાં ફેસબુકની પ્રતિષ્ઠા દુનિયાભરમાં ઘટી રહી છે. તેની અસર જિયો પર થશે કે કેમ એ જોવું રહ્યું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter