જો કોઈ ભારતને છેડશે તો ભારત છોડશે નહીં: રક્ષા મંત્રી રાજનાથ સિંહ

Wednesday 20th April 2022 06:42 EDT
 
 

વોશિંગ્ટન: અમેરિકાની ધરતી પરથી ચીનને કડક સંદેશ આપતાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ભારતને નુકસાન પહોંચાડવા પ્રયાસ થશે તો કોઈને છોડશે નહીં, કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત એક શક્તિશાળી દેશ તરીકે ઉભરી આવ્યું છે અને આગેકૂચ કરી રહ્યું છે. ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સામેલ થવા તરફ હરણફાળ ભરી રહ્યું છે. હું નિશ્ચિતપણે કહી શકું છું કે ચીનને સંદેશો મોકલવામાં આવ્યો છે કે જો ભારતને નુકસાન થશે તો ભારત કોઈને છોડશે નહીં. જો કોઈ ભારતને છેડશે તો ભારત તેને નહીં છોડે.’
રાજનાથે અમેરિકાને સંદેશ આપ્યો કે ભારત ‘ઝીરો સમ ગેમ’ની કૂટનીતિમાં માનતું નથી. કોઈ પણ દેશ સાથેના આપણા સંબંધો બીજા દેશના નુકસાનના ભોગે હોઈ શકે નહીં. તેમણે કહ્યું કે જો ભારતના એક દેશ સાથે સારા સંબંધો છે તો તેનો અર્થ એ નથી કે અન્ય કોઈ દેશ સાથે તેના સંબંધો બગડશે. યૂક્રેન કટોકટી પર ભારતની સ્થિતિ અને રાહતદરે રશિયન તેલ ખરીદવાના નિર્ણય અંગે વોશિંગ્ટનમાં થોડી અસ્વસ્થતા વચ્ચે તેમની ટિપ્પણી આવી હતી. રાજનાથે કહ્યું કે ભારતની છબી બદલાઈ ગઈ છે. ભારતનું ગૌરવ વધ્યું છે. દુનિયાનીની કોઈ તાકાત ભારતને આગામી થોડા વર્ષોમાં વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થા બનવાથી રોકી શકશે નહીં.
‘ભારતવંશીઓની સિદ્ધિ પર દેશવાસીઓને ગર્વ’
રાજનાથે ભારતીય-અમેરિકન લોકોના સમૂહને કહ્યું કે હું તમને ભારતીય ઓળખ જાળવી રાખવા બદલ અભિનંદન આપું છું. ભારતની બહાર રહેતા ભારતીયો હંમેશા પોતાને ભારતીય ગણાવવામાં ગર્વ અનુભવે છે. રાજનાથે ભારપૂર્વક જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચેના સંબંધોમાં સ્થિરતા અને સાતત્ય છે. તેને જાળવી રાખવામાં બંને દેશોએ મહત્વની ભૂમિકા ભજવી છે. રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ભારતીયો યુએસમાં નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે અને આ સંબંધમાં તેમની મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. ભારતીય મૂળના લોકો અહીં જે સિદ્ધિઓ મેળવે છે તેના પર ભારતના લોકો હંમેશા ગર્વ અનુભવે છે.’
ભારતમાં વિશ્વનું નેતૃત્વ કરવાની ક્ષમતા
ભારત એવા દ્વિપક્ષીય સંબંધો રાખે છે જેમાં બંને દેશને સરખો ફાયદો થાય. વિશ્વમાં ભારતની છબી બદલાઈ છે. ભારતનું સન્માન વધ્યું છે. ભારતને ત્રીજી મોટી ઇકોનોમી બનતા કોઈ રોકી શકશે નહીં. ભારત હવે કમજોર દેશ નથી તે વિશ્વનો એ શક્તિશાળી દેશ છે. ભારતમાં આખા વિશ્વનું નેતૃત્વ કરવાની ક્ષમતા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter