ઝોહોના સ્થાપક શ્રીધર વેમ્બુને છૂટાછેડા રૂ. 15 હજાર કરોડમાં પડે તેવી શક્યતા

Thursday 15th January 2026 09:25 EST
 
 

નવી દિલ્હી: દેશની મોખરાની ટેક્નોલોજી કંપની ઝોહોના સ્થાપક અને સીઈઓ શ્રીધર વેમ્બુ કેલિફોર્નિયામાં પત્ની પ્રમિલા સાથે ચાલી રહેલા છૂટાછેડાના કેસ મુદ્દે ચર્ચામાં છે. અહેવાલ અનુસાર, કેલિફોર્નિયાની કોર્ટે આ કેસમાં શ્રીધર વેમ્બુને 1.7 બિલિયન ડોલર એટલે કે અંદાજે રૂ. 15,278 કરોડના બોન્ડ જમા કરાવવા આદેશ આપ્યો છે. આમ આ કેસ અમેરિકામાં ભારતીય કંપનીના સીઈઓના સૌથી મોંઘા છૂટાછેડા બનવાની શક્યતા છે.
સ્વદેશી કંપની ઝોહોના સીઈઓ શ્રીધર વેમ્બૂ આઈઆઈટી મદ્રાસમાંથી ગ્રેજ્યુએશન કર્યા પછી વધુ અભ્યાસ માટે વર્ષ 1989માં પ્રિન્સ્ટન યુનિવર્સિટી પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં પીએચડી કરી હતી. ત્યાર પછી ચાર વર્ષ સુધી અમેરિકામાં રહી 1993માં આંત્રપ્રિન્યોર પ્રમિલા શ્રીનિવાસન સાથે લગ્ન કર્યા હતા. શ્રીધર વેમ્બુએ વર્ષ 1996માં પોતાના સાથીઓ સાથે મળીને એડવેન્ટનેટ નામની એક સોફ્ટવેર કંપની શરૂ કરી અને 2009માં તેનું નામ બદલીને ઝોહો કોર્પોરેશન કરી દીધું.
શ્રીધર વેમ્બુ અને પ્રમિલા શ્રીનિવાસન કેલિફોર્નિયામાં લગભગ ત્રણ દાયકા રહ્યા. આ દંપતીને 26 વર્ષનો પુત્ર પણ છે. શ્રીધર વેમ્બૂ અને તેમની પત્ની પ્રમિલા શ્રીનિવાસન વચ્ચે છૂટાછેડાનું મુખ્ય કારણ કસ્ટડી અને ઝોહોમાં ભાગીદારી અંગે છે. આ છૂટાછેડામાં વિવાદનું કારણ કેલિફોર્નિયામાં રહેતી વખતે દંપતી દ્વારા જમા કરવામાં આવેલી વૈવાહિક સંપત્તિનું વિભાજન છે.
પ્રમિલા શિક્ષણવિદ્ અને બિઝનેસવુમન
વેમ્બુના પત્ની પ્રમિલા શ્રીનિવાસન અમેરિકામાં શિક્ષણવિદ અને બિઝનેસવુમન છે.
તેમણે આક્ષેપ કર્યો છે કે શ્રીધર વેમ્બુ તેમને અને પુત્રને છોડીને ભારત જતા રહ્યા. વેમ્બુએ જટીલ ટ્રાન્ઝેક્શન મારફત ઝોહોના શેર તેમની જાણ અથવા સહમતિ વિના ભારત ટ્રાન્સફર કરી દીધા. 2019માં વેમ્બુ ભારત પાછા આવી ગયા અને તમિલનાડુના પોતાના પૈતૃક ગામ મથલમપરાઈથી ઝોહોનું કામગીરી સંભાળવા લાગ્યા.
શેરહિસ્સાના અયોગ્ય ટ્રાન્સફરનો વિવાદ
એક રિપોર્ટ મુજબ વેમ્બુએ ઓગસ્ટ 2021માં છૂટાછેડા માટે અરજી કરી હતી. પ્રમિલા શ્રીનિવાસને આક્ષેપ કર્યો કે વેમ્બુએ કંપનીના મોટાભાગના શેર પોતાની બહેન રાધા વેમ્બુ અને ભાઈ શેખરને આપી દીધા છે. હાલ રાધા પાસે કંપનીમાં અંદાજે 47.8 ટકા ભાગીદારી છે જ્યારે વેમ્બુ ટેક્નોલોજીના સંસ્થાપક શેખર પાસે 35.2 ટકા હિસ્સો છે. શ્રીધર વેમ્બુ પાસે માત્ર પાંચ ટકા ભાગીદારી છે, જેની કિંમત 22.5 કરોડ યુએસ ડોલર થાય છે.
ઝોહોના સીઈઓ શ્રીધર વેમ્બુએ પત્નીના બધા જ આક્ષેપોને નકારી કાઢ્યા છે. આ મામલે વિવાદ વધતા વેમ્બુના વકીલે કહ્યું કે, પ્રમિલા શ્રીનિવાસનના વકીલે કેલિફોર્નિયાની કોર્ટને ગેરમાર્ગે દોરી છે. શ્રીધરે પત્ની પ્રમિલાને ઝોહોના 50 ટકા શેર ઓફર કર્યા હતા, પરંતુ તેમણે તેને સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. વકીલે ૧.૭ બિલિયન ડોલર બોન્ડના કોર્ટના આદેશને ‘અમાન્ય’ ગણાવ્યો અને તેના વિરુદ્ધ અપીલ કરાઈ હોવાનું જણાવ્યું હતું.
દરમિયાન જાન્યુઆરી 2025માં કેલિફોર્નિયાની સુપ્રીમ કોર્ટે એક આદેશમાં વેમ્બુને 1.7 બિલિયન ડોલર એટલે કે રૂ. 15,278 કરોડના બોન્ડ ન્યાયતંત્રમાં જમા કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, વૈવાહિક સંપત્તિ પર પ્રમિલા શ્રીનિવાસનના અધિકારોને સંભવિત નુકસાનથી બચાવવા માટે આ જરૂરી હતું. શ્રીધર વેમ્બુ અને પ્રમિલા વચ્ચે છૂટાછેડા થશે તો તે ભારતના સૌથી મોંઘા છૂટાછેડા હશે તેમ માનવામાં આવી રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter