ટાઈમની ૧૦૦ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં નરેન્દ્ર મોદી, મમતા બેનરજી અને અદર પૂનાવાલા

Saturday 25th September 2021 15:02 EDT
 
 

વોશિંગ્ટનઃ પ્રખ્યાત ટાઇમ મેગેઝિને વર્ષ ૨૦૨૧ના વિશ્વના ૧૦૦ પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરી છે. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને કોરોનાની વેક્સિન કોવિશીલ્ડ પુરી પાડનારા સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇંડિયાના સીઇઓ અદર પુનાવાલાનો પણ સમાવેશ કરાયો છે. આ યાદી ૧૫ સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવી હતી. જેમાં વૈશ્વિક સ્તરના નેતાઓ જેમ કે અમેરિકાના પ્રમુખ જો બાઇડેન, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ સામેલ છે.
આશ્ચર્યજનક બાબત એ છે કે સૌથી પ્રભાવશાળી લોકોની આ યાદીમાં તાલિબાનના સહસ્થાપક મુલ્લા અબ્દુલ ગની બરાદરને પણ સામેલ કરાયો છે. યાદીમાં સામેલ અન્ય વૈશ્વિક નેતાઓમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ડયૂક અને ડચેસ ઓફ સસેક્સ પ્રિંસ હેરી અને મેગનને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
ટાઇમ મેગેઝિને વિશ્વના ૧૦૦ પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરી છે તેમાં તેમના નામ સાથે તેમની કામગીરીનો પણ ઉલ્લેખ કર્યો છે. જેમ કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે ટાઇમ મેગેઝિને લખ્યું છે કે જ્યારે મોદી વડાપ્રધાન બન્યા ત્યારે ઘણા લોકોને એમ લાગી રહ્યું હતું કે તેઓ ભારતને તેના સમાજવાદના ભૂતકાળથી મૂડીવાદ તરફ લઇ જશે. આર્થિક વિકાસ માટે તેમણે ઘણા કામ પણ કર્યા છે. જોકે તેમણે ભારતને સેક્યૂલારિઝમ એટલે કે બિનસાંપ્રદાયિક્તાથી દુર કરી દીધો અને હિંદુ રાષ્ટ્રવાદ તરફ દોરી ગયા. ટાઇમ મેગેઝિને દાવો કર્યો છે કે બે આંતરરાષ્ટ્રીય થિન્ક ટેન્કે કહ્યું છે કે મોદીની દેખરેખમાં ભારત લોકશાહીથી દુર થયો.
મમતા બેનરજી વિશે ટાઇમ મેગેઝિનમાં લખાયું છે કે તેઓએ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના મની અને મેન પાવર સામે ટક્કર આપી અને ચૂંટણી જીત્યા.
ગરીબીમાંથી આવતા મમતાએ સ્ટેનોગ્રાફર તેમજ મિલ્ક બૂથ વેન્ડર તરીકે કામ કર્યું અને જાતમહેનતથી મુખ્ય પ્રધાન પદ સુધી પહોંચ્યા. આજે કહેવાય છે કે મમતા બેનરજી જ તૃણમુલ કોંગ્રેસ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter