ટેરિફ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ભારતે ટ્રેડ ડીલ મંત્રણા અટકાવીઃ લુટનિક દિલ્હી દોડી ગયા

Saturday 07th March 2026 06:52 EST
 
 

નવી દિલ્હીઃ અમેરિકા અને ભારત વચ્ચેના વચગાળાના વેપાર કરાર મુદ્દે અનિશ્ચિતતા સર્જાતા ભારતના વેપાર-વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે અમેરિકાના વેપાર મંત્રી હોવાર્ડ લુટનિક અને ભારતસ્થિત અમેરિકી રાજદૂત સર્જિયો ગોર સાથે બેઠક યોજીને દ્વિપક્ષીય વેપાર સંબંધોમાં વધારો કરવાના ઉપાયો અંગે ચર્ચાવિચારણા કરી હતી. ઉલ્લેખનીય છે કે પ્રમુખ ટ્રમ્પે લાદેલા અમેરિકી ટેરિફ પર સુપ્રીમ કોર્ટની રોક બાદ ભારતે ટ્રેડ ડીલ પરની ચર્ચા અટકાવી દીધી હતી. આ પછી ટ્રમ્પ સરકારના વરિષ્ઠ મંત્રી લુટનિક રાતોરાત ભારત પહોંચ્યા હતા.

ગોયલે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે અમેરિકાના બંને નેતાઓ સાથે વેપાર અને આર્થિક ભાગીદારીને વિસ્તૃત કરવાની ખૂબ જ ફળદાયી ચર્ચાવિચારણા કરી હતી. આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે બંને દેશો દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવાનું વિચારી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે બંને દેશોના મુખ્ય વાટાઘાટકારો આ સપ્તાહે વોશિંગ્ટનમાં કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે મળવાના હતાં, પરંતુ યુએસ સુપ્રીમ કોર્ટે પ્રેસિડન્ટ ટ્રમ્પે લાદેલો વૈશ્વિક ટેરિફ રદ કર્યા પછી આ બેઠક મુલતવી રાખવામાં આવી હતી. કોર્ટના આદેશ પછી ટ્રમ્પે 24 ફેબ્રુઆરીથી 150 દિવસ માટે તમામ દેશો પર 10 ટકા ટેરિફ લાદી હતી. બાદમાં ટ્રમ્પે આ ટેરિફને વધારીને 15 ટકા કરવાની પણ જાહેરાત કરી છે, પરંતુ હજુ તે મામલે સત્તાવાર આદેશ જારી કર્યો નથી. આ પૂર્વે મંગળવારે ગોયલે જણાવ્યું હતું કે અમેરિકા તરફથી ટેરિફ અંગે વધુ સ્પષ્ટતા આવ્યા પછી તરત વેપાર મંત્રણા ફરી ચાલુ કરાશે.

ટ્રમ્પના બીજા કાર્યકાળમાં તેમના મુખ્ય આર્થિક એજન્ડાને મોટો ફટકો આપતા યુએસ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ટ્રમ્પ દ્વારા વિશ્વભરના દેશો પર લદાયેલા ટેરિફ ગેરકાયદે છે અને પ્રેસિડન્ટે 1977ના ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) હેઠળની સત્તાનો દુરુપયોગ કર્યો છે. ભારત અને અમેરિકાએ આ મહિનાની શરૂઆતમાં વચગાળાના વેપાર કરારના માળખાની સંયુક્ત રીતે જાહેરાત કરી હતી. આ કરાર હેઠળ અમેરિકા ભારત પરની ટેરિફને ઘટાડીને 18 ટકા કરવા સંમત થયું હતું. જોકે આ વચગાળાના વેપાર કરારની અંતિમ મંત્રણાની બાકી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter