નવી દિલ્હીઃ સંસદની વિદેશ બાબતોની સ્થાયી સમિતિએ ભારતવિરોધી અમેરિકન નીતિગત નિર્ણયો પર ભારતીય-અમેરિકન ઈમિગ્રાન્ટ્સ સમાજની ચુપકીદીને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. સમિતિએ આ મુદ્દો અમેરિકાથી આવેલા પાંચ સભ્યોના બનેલા સંસદીય પ્રતિનિધિ મંડળ સમક્ષ ઉઠાવ્યો હતો. આ પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ ડેમોક્રેટ સાંસદ એમી બેરા કરી રહ્યા હતા.
સમિતિના અધ્યક્ષ શશી થરુરે આ બેઠક બાદ જણાવ્યું હતું કે અમે એ સવાલ ઉઠાવ્યો હતો કે ભારતીય અમેરિકન સમુદાયના લોકો આ સમગ્ર મામલે આટલા બધા ચૂપ કેમ છે? એક અમેરિકન સાંસદે તો ત્યાં સુધી કહ્યું હતું કે તેના કાર્યલય પર કોઈપણ અમેરિકન ભારતીય મતદાતાનો ફોન પણ આવ્યો ન હતો કે જેણે આ નીતિ બદલવા માટે અનુરોધ કર્યો હોય. થરુરે વધુમાં જણાવ્યું હતું કે કેટલાક અમેરિકન સાંસદોએ પણ આ મુદ્દે સહમતી વ્યક્ત કરી હતી. અમારે ભારતીય અમેરિકન સમાજને અપીલ કરવી પડશે કે જો તેઓ પોતાની માતૃભૂમિના સંબંધોને ચિંતિત છે તો તેના માટે અવાજ પણ ઉઠાવવો પડશે.


