ટ્રમ્પને સારા સંબંધો, સાથે મળીને કામ કરશેઃ મોદી

Thursday 17th November 2016 11:01 EST
 
 

નવીદિલ્હીઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસ અને ભારત વચ્ચે અગાઉ જેવા જ સારા દ્વિપક્ષીય સંબંધો રહે તેવી આશા ૧૬મી નવેમ્બરે દર્શાવી છે. મોદીએ અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મળીને કામ કરવા ઉત્સાહ પણ દર્શાવ્યો છે. મોદી એવું માને છે કે ટ્રમ્પ સાથે તેઓ સારા સંબંધો ધરાવે છે અને તેમની રિપબ્લિકન સરકાર ભારત સાથે હળીમળીને કામ કરશે. મોદીએ સંસદનાં શિયાળુ સત્ર પહેલાં લોકસભાનાં સ્પીકર સુમિત્રા મહાજન દ્વારા યોજેલા ડિનરમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. ડિનરમાં મોદીને પૂછવામાં આવ્યું કે, ટ્રમ્પ સાથે કેવા સંબંધો રાખવા ઈચ્છે છે? ત્યારે મોદીએ કહ્યું હતું કે રિપબ્લિકન નેતા ટ્રમ્પ સાથે તેમનાં સારા સંબંધો છે. બંને દેશો વચ્ચેનાં દ્વિપક્ષીય સંબંધોમાં તેઓ કોઈ ફેરફાર થાય તેવું ઈચ્છતા નથી.

ડેમોક્રેટિક ઓબામા સરકાર સાથે તેમજ ઓબામા સાથે પણ મોદીને સારા સંબંધો હતા. ઓબામાએ મોદીને એક સારા મિત્ર ગણાવ્યા હતા. જોકે ટ્રમ્પે પણ ચૂંટણી પ્રચાર વખતે તેમની સરકાર ભારત તરફી સારો વ્યવહાર રાખશે તેવો નિર્દેશ કર્યો હતો. મોદીએ ચૂંટણીમાં વિજેતા બનવા માટે ટ્રમ્પને ફોન પર અભિનંદન પણ આપ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter