વોશિંગ્ટનઃ યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર અમેરિકામાં કામ કરતા ભારતીયોમાં ચિંતાનું મોજું ફરી વળે તેવું નિવેદન આપ્યું છે. તેમણે ગૂગલ, મેટા, માઈક્રોસોફટ જેવી અમેરિકન ટેક કંપનીઓને કહ્યું છે કે તેઓ ભારતમાં ફેક્ટરીઓ સ્થાપવાનું અને વર્કર્સ હાયર કરવાનું બંધ કરે.
સાથે સાથે જ તેમણે કહ્યું હતું કે આ બધી કંપનીઓએ છૂટનો બહુ ફાયદો ઉઠાવ્યો. ભારતમાંથી કર્મચારીઓ રાખ્યા, ચીનમાં ફેક્ટરીઓ બનાવી અને આયર્લેન્ડમાં નફો કમાયો. હું છું ત્યાં સુધી આ નહીં ચાલે. કંપનીઓએ અમેરિકા ફર્સ્ટને અપનાવે.
તેમણે વોશિંગ્ટન ડીસીમાં ઓલ ઈન પોડકાસ્ટ અને હિલ એન્ડ વેલી ફોરમના એઆઈ સમિટમાં આ વાત કહી હતી. ટ્રમ્પના આ નિવેદનને ભારતીય પ્રતિભા વિરુદ્ધ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
ભારતીયોની સંખ્યામાં 50 ટકા ઘટાડો
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રાજમાં ભારતીયોના પ્રવેશ પર મોટો બ્રેક લાગવાની આશંકા છે. ઈમિગ્રેશન પોલિસી ઇન્સ્ટિટ્યૂટના એક રિપોર્ટ અનુસાર ટ્રમ્પના નવેમ્બર 2028 સુધીના શાસનમાં ભારતીય ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં 50 ટકાનો ઘટી શકે છે. અત્યારે ભારતથી વાર્ષિક અંદાજે 7 લાખ લોકોને અમેરિકામાં પ્રવેશ મળે છે. જેમાંથી લગભગ 3.31 લાખ સ્ટુડન્ટ વીઝા, 2 લાખ વર્ક વીઝા, 50 હજારને સિટિઝનશીપ અને 1.71 લાખને ગ્રીન કાર્ડ મળે છે. પ્રોફેસર મેડેલિન ગ્રીનના મતે ટ્રમ્પના અત્યાર સુધીના વીઝા ડેટા રિલીઝ થવાના આધાર પર આ આંકડાઓ સામે આવ્યા છે.