ટ્વિટરનું સુકાન સંભાળશે પરાગ અગ્રવાલ

Thursday 02nd December 2021 08:46 EST
 
 

નવી દિલ્હીઃ માઇક્રોસોફ્ટમાં સત્ય નાદેલા, ગુગલમાં સુંદર પિચાઇ, સિસ્કોમાં પદ્મશ્રી વોરિયર, નોકિયામાં રાજીવ સૂરી... જગવિખ્યાત કંપનીઓનું સુકાન સંભાળતા ભારતવંશીઓની આ યાદીમાં હવે ૩૭ વર્ષના પરાગ અગ્રવાલનું નામ ઉમેરાયું છે. જેક ડોર્સીએ ટ્વિટરના સીઇઓ પદેથી રાજીનામું આપીને તેમના અનુગામી તરીકે પરાગ અગ્રવાલના નામની જાહેરાત કરી છે. આઇઆઇટી-મુંબઇના આ ગ્રેજ્યુએટ હોદ્દાનો કાર્યભાર સંભાળશે તે સાથે જ વિશ્વની ટો૫-૫૦૦ કંપનીઓનું સુકાન સંભાળતા સીઇઓમાં સૌથી નાની વયના સીઇઓનું બહુમાન મેળવશે.
દોઢ દસકા કરતા વધુ સમય ટ્વિટરમાં ટોચના હોદ્દાઓ સંભાળ્યા પછી જેક ડોર્સીએ સીઈઓ પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે ટ્વિટ કરીને આ વાતની માહિતી આપી હતી. ડોર્સીએ જણાવ્યું હતું કે કંપનીમાં લગભગ ૧૬ વર્ષ સુધી સહસ્થાપકથી માંડી સીઈઓ, ચેરમેનથી માંડીને એક્ઝિક્યુટિવ ચેરમેન, કાર્યવાહક સીઈઓથી માંડી સીઈઓ સુધીની ભૂમિકા ભજવ્યા પછી મારા માટે હવે કંપની છોડવાનો સમય છે. શા માટે?

પરાગ પ્રતિભાશાળી અને સજ્જન
ડોર્સીએ કંપની છોડવાના ત્રણ કારણ આપ્યા હતા. સૌથી પહેલું કારણ સીઈઓ તરીકે પરાગ અગ્રવાલની પસંદગી હતી. ડોર્સીએ જણાવ્યું હતું કે બોર્ડે તમામ વિકલ્પોની ચકાસણી કરીને સઘન પ્રક્રિયા હાથ ધરી હતી અને સર્વસંમતિથી પરાગની આ પદે નિયુક્તિ કરી છે. તે કંપની અને તેની જરૂરિયાતોને જેટલી ઊંડાણથી સમજે છે એ જોતાં છેલ્લા કેટલાક સમયથી પરાગ મારી પસંદગી હતો. ડોર્સીએ વધુમાં જણાવ્યું કે કંપની માટેના મહત્ત્વના નિર્ણયોમાં પરાગની ભૂમિકા ચાવીરૂપ રહી છે. જેની મદદથી કંપનીને ટર્નએરાઉન્ડમાં સફળતા મળી હતી. તે જિજ્ઞાસુ, રચનાત્મક, સજ્જન વ્યક્તિ છે. તે વિવેકબુદ્ધિ સાથે તમામ નિર્ણય લે છે. તે હૃદય અને આત્મા સાથે કંપનીની કામગીરી સંભાળે છે અને હું તેની પાસેથી દરરોજ કંઈ શીખું છું. આપણા સીઈઓ તરીકે મારો તેના પરનો વિશ્વાસ ઘણો ઊંડો છે. પરાગ અગ્રવાલે ડોર્સીના ટ્વિટના જવાબમાં જણાવ્યું હતું કે આ મારા માટે સન્માનની વાત છે અને નમ્રભાવે હું તેનો સ્વીકાર કરું છું.

કોણ છે પરાગ અગ્રવાલ?
પરાગ અગ્રવાલ આઈઆઈટી-બોમ્બેના વિદ્યાર્થી છે. તેમણે આઇઆઇટીમાંથી કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં બીટેક કર્યા બાદ સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. કર્યું છે. ટ્વિટરના સીઇઓ પદે નિમણૂંક બાદ પરાગ અગ્રવાલે જેક ડોર્સીનો આભાર માન્યો હતો. છેલ્લા એક દાયકાથી પરાગ ટ્વિટર સાથે કામ કરે છે. તેમણે સોફ્ટવેર એન્જિનિયર તરીકે ટ્વિટર જોઇન કર્યું હતું. બાદમાં તેઓ ચીફ ટેકનોલોજી ઓફિસર (સીટીઓ)ના પદે પહોંચ્યા હતા. આ પહેલા તેઓ માઇક્રોસોફ્ટ, યાહુ તથા એટીએન્ડટીમાં કામ કરી ચૂક્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter