દિગ્ગજ કંપનીઓને ભારતમાં ફાઇવ-જીથી માંડીને સ્માર્ટ એજ્યુકેશન, સોલાર એનર્જી ક્ષેત્રે મૂડીરોકાણ કરવા આમંત્રણ

Wednesday 29th September 2021 04:24 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાના પાંચ દિવસના પ્રવાસે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ ચરણમાં પાંચ અલગ અલગ સેક્ટરની દિગ્ગજ અમેરિકન કંપનીઓના સીઇઓ સાથે મુલાકાત કરી હતી. વડા પ્રધાન મોદીએ ક્વાલકોમના સીઇઓ ક્રિસ્ટિયાનો એમોન સાથે ટેકનોલોજી મુદ્દે ફળદાયી મંત્રણા કરીને ભારતમાં ફાઇવ-જી અને ટેલિકોમ સેક્ટરમાં રહેલી અન્ય તકોનું વિવરણ કર્યું હતું. એમોને ભારતમાં કામ કરવાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી.
બીજા ક્રમે વડા પ્રધાન મોદીએ એડોબના ભારતવશી સીઇઓ શાંતનુ નારાયણ સાથે મુલાકાત કરી હતી. શાંતનુએ ભારતના રસીકરણ કાર્યક્રમની પ્રશંસા કરતાં ભારતમાં દરેક બાળક માટે વીડિયો, એનિમેશન લાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, દરેક બાળકને સ્માર્ટ એજ્યુકેશન મળે તે અત્યંત મહત્ત્વનું છે. સાથે સાથે જ મોદીએ વોરફેર ડ્રોનનું ઉત્પાદન કરતી કંપની જનરલ એટોમિક્સના સીઇઓ વિવેક લાલ સાથે પણ મુલાકાત યોજીને ડ્રોન ટેકનોલોજી અંગે ચર્ચા કરી હતી.
ફર્સ્ટ સોલારના સીઇઓ માર્ક વિડમાર સાથે મોદીએ રિન્યૂએબલ એનર્જીના ૪૫૦ ગીગાવોટના ભારતના લક્ષ્યાંક પર ચર્ચા કરી પીએલઆઇ સ્કીમના લાભ લેવા આમંત્રણ આપ્યું હતું.
વડા પ્રધાન મોદીએ બ્લેકસ્ટોનના સીઇઓ સ્ટિફન શ્વાર્ઝમેન સાથે બેઠક યોજી તેમને ભારતમાં ઉપલબ્ધ મૂડીરોકાણની ઉજળી શક્યતાઓ અંગે જાણકારી આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter