નવ વખત નોબલ પ્રાઈઝ માટે નોમિનેટ થયેલા વિજ્ઞાાની ડો. સુદર્શનનું ૮૬ વર્ષે અવસાન

Thursday 17th May 2018 07:21 EDT
 
 

ટેક્સાસઃ ભારતીય વિજ્ઞાાની ઈ.સી.જી. સુદર્શનનું ૧૪મી મેએ ૮૬ વર્ષની વયે અમેરિકાના ટેક્સાસમાં અવસાન થયું હતું. ભૌતિકશાસ્ત્રના વિજ્ઞાની ડો. સુદર્શન ૯ વખત નોબેલ પ્રાઈઝ માટે નોમિનેટ થયા હતા, પરંતુ કમનસીબે તેમને ક્યારેય નોબેલ પ્રાઈઝ મળ્યું નહોતું. તેમનો જન્મ ૧૯૩૧ની ૧૬મી સપ્ટેમ્બરે કેરળના પલ્લમમાં થયો હતો. કેરળમાં શરૂઆતી અભ્યાસ કર્યા પછી ૧૯૫૮માં અમેરિકાની રોચેસ્ટર યુનિવર્સિટીમાં એડમિશન મળતાં તેઓ અમેરિકા જતા રહ્યા હતા અને ત્યાં જ વસી ગયા હતા. તેમણે થિએરિટકલ ફિઝિક્સમાં વિદ્વતા હાંસલ કરી હતી. અહીં જ આગળ જતા ટેક્સાસ યુનિવર્સિટીમાં તેઓ પ્રોફેસર થયા હતા.

બીજા બે સંશોધકો સાથે મળીને ડો. સુદર્શને ટોકયોન નામના કણોની કલ્પના કરી હતી. આ કણો અસ્તિત્વ ધરાવે છે, પરંતુ હાલ તેના વિશે માત્ર થિયરીકલ રજૂઆત થઈ શકી છે. ડો. આલ્બર્ટ આઈન્સ્ટાઈનના વિજ્ઞાન પ્રમાણે કોઈ વસ્તુ પ્રકાશથી વધુ ઝડપે સફર કરી ન શકે. પરંતુ ટોકિયોન કણો પ્રકાશ કરતાં પણ વધુ ઝડપે સફર કરતાં હોવાનો ડો. સુદર્શન અને તેમના સાથીદારોનો દાવો હતો. આ દાવો થિયરી પ્રમાણે સાચો છે, પરંતુ જે રીતે ગ્રેવિટેશનલ વેવ્સનું અસ્તિત્વ હોવા છતાં તેની હાજરી શોધવામાં ૧૦૦ વર્ષ નીકળી ગયા એમ ટોકિયોન કણો હજુ સુધી પ્રેક્ટિકલી જોવા મળ્યાં નથી.

ભૌતિકશાસ્ત્રી તરીકેની ૪૦ વર્ષથી વધુ લાંબી કારકિર્દીમાં તેમને પદ્મ વિભૂષણ, સી. વી. રમન એવોર્ડ, બોઝ મેડલ સહિતના સન્માન મળી ચૂક્યા હતા. તેમનું મહત્ત્વનું સંશોધન અને પ્રદાન ક્વોન્ટમ મિકેનિક્સમાં હતું. ભારતમાં હતા એ દરમિયાન તેમણે મુંબઈ સ્થિતિ ટાટા ઈન્સ્ટિટયૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચમાં હોમી ભાભા સાથે કામ કર્યું હતું.

વિવિધ તબક્કે તેઓ ૯ વખત ભૈતિકશાસ્ત્રના નોબેલ માટે નામાંકિત થયા હતા, પણ છેલ્લે તેમને નોબેલ પ્રાઈઝ મળ્યું ન હતુ. ૨૦૦૬ના ભૌતિકશાસ્ત્રના નોબેલ વખતે તો અનેક સંશોધકોએ ડો. સુદર્શનને પસંદ ન કરવા બદલ વિરોધ પણ નોંધાવ્યો હતો. ૨૦૦૭માં એક મુલાકાતમાં તેમણે કહ્યું હતુ કે મે જે સંશોધન કર્યું તેના પર કામ કરનારા દરેક વિજ્ઞાનીને નોબેલ મળ્યું છે, પણ મને નોબેલ સમિતિએ હજુ સુધી એ માટે લાયક ગણ્યો નથી!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter