ન્યૂ યોર્કઃ ન્યૂ યોર્કમાં ઘરેલુ હિંસા અને અત્યાચારથી ત્રાસીને 30 વર્ષની મનદીપ કૌરે આત્મહત્યા કરતા પહેલાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વીડિયોમાં રજૂ કરેલી આપવીતીએ ભારતીય પરિવારોમાં સ્ત્રીની સ્થિતિ અંગે ફરી એકવાર વિચારતા કરી દીધા છે. ભારતના ઉત્તરપ્રદેશની મૂળ વતની એવી મનદીપ કૌર તેના પતિ અને સાસરિયા સાથે ન્યૂયોકમાં રહેતી હતી અને લગ્નજીવન દરમિયાન 6 અને 4 વર્ષની બે દીકરીઓને જન્મ આપ્યો હતો. વીડિયોમાં મનપ્રીત કહે છે કે છેલ્લા આઠ વર્ષથી હું આ નર્કમાં જીવન જીવતી હતી. મેં મારા પતિને સુધારવાના શ્રેષ્ઠ પ્રયાસો કરી જોયાં. મને કોઇપણ કારણ વિના દરરોજ માર મારવામાં આવતો હતો. મને એમ લાગતું હતું કે એક દિવસ મારા પતિમાં સુધારો આવશે. પરંતુ ના. તેણે આઠ વર્ષ સુધી મને મૂઢ માર માર્યો છે. તેના ઘણા લગ્નેતર સંબંધો પણ હતાં. ન્યૂયોર્ક આવતાં પહેલાં અઢી વર્ષ સુધી અમે ભારતમાં પણ રહ્યાં અને તે સમય પણ મારા માટે નર્કસમાન હતો.
મનદીપ કૌરના પિતા જસપાલ કહે છે કે મારી દીકરીને તેનો પતિ દરરોજ માર મારતો હતો. એક દિવસ તો તેણે મારી દીકરીને પાંચ દિવસ સુધી ટ્રન્કમાં લોક કરી દીધી હતી. મારી દીકરી યેનકેન પ્રકારે પાંચ દિવસ પછી તે ટ્રન્કમાંથી બહાર આવવામાં સફળ થઇ હતી. જસપાલ હવે તેમના જમાઇ અને દીકરીના સાસરિયા સામે કાયદાકિય કાર્યવાહીની તૈયારી કરી રહ્યા છે. આ પહેલાં પણ જસપાલે પોતાની દીકરી પર ગુજારાતા અત્યાચાર અંગે તેના પતિ સામે પોલીસમાં ફરિયાદ કરી હતી પરંતુ તેના પતિએ માફી માગતા કાર્યવાહી પડતી મૂકાઇ હતી.
મનદીપ કૌરે તેના વીડિયોમાં જણાવ્યું છે કે, તમ બધાએ એકજૂથ થઇને મને નિઃસહાય બનાવી દીધી છે તેથી હવે મને મારા બાળકોને પણ મૂકીને જવાની ફરજ પડી રહી છે. આ પહેલાં પણ સોશિયલ મીડિયામાં આવેલા એક વીડિયોમાં મનદીપને તેનો પતિ મારઝૂડ કરતો જોવાયો હતો. મનદીપના પિતા કહે છે કે આઠ વર્ષ પહેલાં મારી દીકરીના લગ્ન થયાં હતાં. પરંતુ આ આઠ વર્ષ તેને અત્યાચાર અને ભયાવહતા સિવાય કશું મળ્યું નથી. તેણે તમામ આશા ગુમાવી દીધી હતી અને અંતિમ ક્ષણોમાં સાવ એકલી જ હતી. તેણે અંતિમ શ્વાસ લીધો ત્યારે તેની સાથે કોઇ નહોતું. તેની નિઃસહાયતાને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. હું નથી ઇચ્છતો કે અન્ય કોઇની દીકરીને આવી સ્થિતિમાંથી પસાર થવું પડે તેથી મેં તેના પતિ અને સાસરિયા સામે દહેજના માટે આત્મહત્યા કરવા પ્રેરવાનો કસ દાખલ કર્યો છે. 2014માં મારી દીકરીના લગ્ન થયાં ત્યારથી જ તેના સાસરિયા દહેજમાં અલગ અલગ માગ કરતા રહ્યાં છે. તેઓ 25 લાખ રૂપિયા અને લક્ઝરી કારની વારંવાર માગ કરતા હતા.