નવી દિલ્હી: પ્રસિદ્ધ શાસ્ત્રીય સંગીતકાર - ગાયક પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી પંડિત જસરાજનું સોમવારે અમેરિકામાં ન્યૂ જર્સીમાં નિધન થયું હતું. મેવાતી ઘરાનાના ૯૦ વર્ષીય પંડિત જસરાજના પરિવારજનોએ જણાવ્યું કે, હૃદયરોગના હુમલાને લીધે પંડિતજીએ વહેલી સવારે ૫.૧૫ કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. પંડિતજી ઘણા સમયથી પરિવાર સાથે અમેરિકામાં જ રહેતા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, પંડિત જસરાજજીનું નિધન ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે. તેનાથી ભારતીય સંસ્કૃતિમાં મોટો શૂન્યાવકાશ ઊભો થયો છે. તેમની ગાયકી તો બેજોડ હતી પણ તેઓ અનેક ગાયકો માટે મહાન ગુરુ સમાન હતા. તેમના પરિવાર અને વૈશ્વિક ચાહકો પ્રત્યે સંવેદના.