નવી દિલ્હીઃ ભારતના પ્રવાસે આવેલા અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આતિથ્યના ખૂબ જ વખાણ કર્યા અને જણાવ્યું કે તેમના બાળકોએ નરેન્દ્ર મોદી સાથે ગાઢ મિત્રતા કરી લીધી છે.
વેન્સ હાલ ચાર દિવસીય ભારતીય પ્રવાસે છે અને મંગળવારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉષ્માભર્યા આતિથ્યના ખૂબ જ વખાણ કર્યા છે. રાજસ્થાન ઈન્ટરનેશનલ સેન્ટર, જયપુરમાં ભારત-અમેરિકાના સંબંધો પર આયોજિત એક કાર્યક્રમમાં બોલતા વેન્સે એક રસપ્રદ ઘટના શેર કરી. તેમણે કહ્યું કે તેમનો સાત વર્ષનો દીકરો ઇવાન હવે ભારતમાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યો છે.
વેન્સે કહ્યું, ‘અમે ગઈકાલે વડા પ્રધાનના ઘરે રાત્રિભોજન કર્યું. ભોજન સ્વાદિષ્ટ હતું અને તેમણે અમારા ત્રણેય બાળકો સાથે ખૂબ પ્રેમથી વર્ત્યા. રાત્રિભોજન પછી, ઇવાન મારી પાસે આવ્યો અને કહ્યું - પપ્પા, મને લાગે છે કે હું ભારતમાં રહી શકું છું.’ જોકે, આ ગરમીએ ઇવાનનો વિચાર પણ થોડો બદલી નાખ્યો. ‘જયપુરના તડકામાં લગભગ 90 મિનિટ સુધી ફર્યા પછી, તેણે કહ્યું - પપ્પા, ચાલો ઇંગ્લેન્ડ જઈએ...’ વેન્સે સ્મિત સાથે કહ્યું.
મોદી એક ખાસ વ્યક્તિત્વઃ વેન્સ
પીએમ મોદીને એક ખાસ વ્યક્તિત્વ ગણાવતા વેન્સે ફેબ્રુઆરીમાં AI એક્શન સમિટમાં તેમની સાથેની મુલાકાતને પણ યાદ કરી. તેમણે કહ્યું કે તેમના પુત્ર વિવેકના પાંચમા જન્મદિવસ પર, મોદીએ પેરિસમાં તેમના આંતરરાષ્ટ્રીય પરિષદમાંથી સમય કાઢીને તેમને શુભેચ્છા પાઠવી હતી અને ભેટ પણ આપી હતી. તે અમારા માટે ભાવનાત્મક ક્ષણ હતી.
‘બાળકો મોદી સાથે ભળી ગયા’
વેન્સે એમ પણ કહ્યું કે તેમના ત્રણ બાળકો - ઇવાન, વિવેક અને મીરાબેલ - પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ખૂબ નજીક બની ગયા છે. "આ બંને નેતાઓ વચ્ચે એક ખાસ ઉર્જા છે જેની સાથે બાળકો તરત જ જોડાઈ ગયા. અને મને વ્યક્તિગત રીતે વડા પ્રધાન મોદી ગમે છે. મને લાગે છે કે આ આપણી મજબૂત ભાગીદારીની સારી શરૂઆત છે,’ વેન્સે કહ્યું. નોંધનીય છે કે, મંગળવારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ જયપુરમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની સુરક્ષા વધારી દેવામાં આવી છે.