બદલાતા વિશ્વમાં ભારત મહત્ત્વનો સાથી દેશ: અમેરિકી સંરક્ષણ પ્રધાન

Wednesday 24th March 2021 05:34 EDT
 
 

નવી દિલ્હીઃ ભારત આવેલા અમેરિકી સંરક્ષણ પ્રધાન લોયડ જેમ્સ ઓસ્ટિન અને ભારતનાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ વચ્ચે શનિવારે વિજ્ઞાન ભવનમાં મંત્રણા યોજાઈ હતી. બાદમાં બંને દેશોએ સંરક્ષણ તેમજ લશ્કરી સહયોગ વધારવા સમજૂતી કરી હતી. આ ઉપરાંત કેટલાક મહત્ત્વનાં કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. બેઠકમાં ભારતનાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને સેનાની ત્રણેય પાંખનાં વડા હાજર રહ્યા હતા.
મંત્રણામાં ભારત અને અમેરિકા વચ્ચેનાં દ્વિપક્ષીય વ્યૂહાત્મક સંબંધોને વધુ વ્યાપક બનાવવા તેમજ ઇન્ડો પેસિફિક રિજિયનમાં બદલાતી સ્થિતિ અંગે તેમજ આતંકવાદ સામે એકસંપ થઇને લડવાનાં મુદ્દે તેમજ ઇન્ડો પેસિફિક રિજિયનમાં શાંતિ અને સુરક્ષાની જાળવણી, ક્વાડ તેમજ આસિયાન દેશો સાથે ચીનનાં વિસ્તાવાર મુદ્દે વાતચીત કરવાનાં મુદ્દે ચર્ચા કરાઈ હતી.
કયા કયા કરાર પર હસ્તાક્ષર
રાજનાથસિંહે કહ્યું હતુ કે ભારતીય સેના અને યુએસ ઇન્ડો પેસિફિક કમાન્ડ, સેન્ટ્રલ કમાન્ડ અને આફ્રિકા કમાન્ડ વચ્ચે સહયોગ વધારવા સંમતિ સધાઈ છે. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રે સહકાર કરાર પર હસ્તાક્ષર કરાયા છે. ભારત અમેરિકા સાથે મજબૂત સંરક્ષણ સહયોગને વધુ આગળ ધપાવવા પ્રતિબદ્ધ છે.
દ્વિપક્ષીય સંબંધોને મળશે વેગ
સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટિન શુક્રવારે ભારતની ત્રણ દિવસની મુલાકાતે પહોંચ્યા હતા. ભારત પ્રવાસનો પ્રારંભ તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત સાથે કર્યો હતો. અમેરિકી સંરક્ષણ પ્રધાનની આ મુલાકાત પ્રદેશના સહયોગી દેશો અને મિત્ર દેશો સાથે સંબંધોને મજબૂત કરવાની પ્રમુખ જો બાઇડેનની પ્રતિબદ્ધતા છતી કરે છે. ઓસ્ટિનની ભારત મુલાકાત દરમિયાન પૂર્વ લદ્દાખમાં ચીનનું આક્રમક વલણ, ત્રાસવાદને કારણે ઊભા થયેલા પડકારો તેમજ અફઘાન શાંતિ પ્રક્રિયા જેવા મુદ્દે ખાસ ચર્ચા થયાનું મનાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter