નવી દિલ્હીઃ ભારત-અમેરિકાએ શનિવારે વચગાળાની વેપાર સમજૂતીના માળખા પર સહમતિ સાધી છે. હવે બંને દેશો વેપાર સરળ બનાવશે, ટેરિફ ઘટાડાશે અને આગળ વધીને મોટી વેપાર સમજૂતી કરશે. અત્યારે ટ્રેડ ડીલનું માળખું બની રહ્યું છે. પ્રથમ તબક્કાના આ કરાર પર માર્ચની મધ્યમાં હસ્તાક્ષર થવાની ધારણા છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલ કહ્યું કે આ દ્વિપક્ષીય ટ્રેડ ડીલ અંતર્ગત અમેરિકા ભારતીય ઉત્પાદનો પર ટેરિફને પહેલાના 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરશે. આ 50 ટકામાં 25 ટકા ટેરિફ અને 25 ટકા પેનલ્ટી હતા. રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાને કારણે અમેરિકાએ આ પેનલ્ટી લગાવી હતી, જે 7 ફેબ્રુઆરીથી ખતમ કરાઈ છે. ગત ઓગસ્ટ 2025માં આ પેનલ્ટી લગાવાઈ હતી.
બન્ને દેશોએ સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે આ ફ્રેમવર્ક 13 ફેબ્રુઆરી, 2025ના રોજ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ વ્યાપક યુએસ-ભારત દ્વિપક્ષીય વેપાર કરાર વાટાઘાટો પ્રત્યે બન્ને દેશોની પ્રતિબદ્ધતાને સમર્થન આપે છે. નિવેદનમાં જણાવાયું છે કે ભારતે આગામી પાંચ વર્ષમાં 500 બિલિયન ડોલરની યુએસ એનર્જી પ્રોડક્ટ્સ, વિમાન અને વિમાનના પાર્ટસ, કિંમતી ધાતુઓ, ટેકનોલોજી પ્રોડક્ટ્સ અને કોલસો ખરીદવા ઇરાદો વ્યક્ત કર્યો છે.
ભારતે રશિયા પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ક્રૂડ ઓઈલની ખરીદી બંધ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હોવાથી ટ્રમ્પે ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ નાબૂદ કર્યો છે. જોકે ભારત સીધી કે આડક્તરી રીતે રશિયન ક્રૂડ ઓઇલની આયાત કરે છે કે નહીં તેના પર અમેરિકા દેખરેખ રાખશે. ભારત ફરી ખરીદી ચાલુ કરશે તો અમેરિકા 25 ટકા વધારાના ટેરિફ સહિતના પગલાં લેવા વિચારશે.
દેશના આત્મસન્માનનું સમર્પણઃ કોંગ્રેસ
ટ્રેડ ડીલ પર ટિપ્પણી કરતાં કોંગ્રેસે દાવો કર્યો હતો કે ભારત-અમેરિકા વેપાર કરાર સોદો નથી, પણ દેશના આત્મસન્માન અને હિતોનું સમર્પણ છે અને તે ભારત તથા તેના લોકો સાથે વિશ્વાસઘાત છે. વરિષ્ઠ નેતા પવન ખેરાએ કહ્યું હતું કે ભારત ટૂંક સમયમાં અમેરિકન પ્રોડક્ટ્સ માટે ડમ્પિંગ ગ્રાઉન્ડ બનશે, જે ભારતના ખેડૂતો તથા નાના અને મધ્યમ ઉદ્યોગોના હિતોને ભારે નુકસાન પહોંચાડશે.


