ભારત-અમેરિકા ટ્રેડ ડીલ થવાના આરેઃ અમેરિકાનું પ્રતિનિધિ મંડળ ભારતમાં

Wednesday 03rd June 2026 06:52 EDT
 
 

નવી દિલ્હી: ભારત-અમેરિકા વચ્ચેના ટ્રેડ ડીલને આગામી દિવસોમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ - મુક્ત વેપાર કરાર)ની લગભગ 99 ટકા બાબતો સુનિશ્ચિત થઈ ચૂકી છે, જે કેટલીક બાકી બાબતો છે તેનો નિવેડો લાવીને આ ડીલને અંતિમ સ્વરૂપ આપવા અમેરિકન પ્રતિનિધિમંડળ સોમવારે ભારત પહોંચ્યું છે. બંને દેશ વચ્ચે ચોથી જૂન સુધી વેપાર મંત્રણા ચાલશે. આ બેઠકનું ધ્યેય બંને દેશ વચ્ચેના વચગાળાના ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવાનું છે.
અમેરિકન વાટાઘાટકારોની ટીમનું નેતૃત્વ બ્રેન્ડન લિન્ચ કરી રહ્યા છે અને ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ અધિક સચિવ દર્પણ જૈન કરશે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે સોમવારે જણાવ્યું હતું કે ભારત-અમેરિકા પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવાની ઘણા નજીક છે. તેમાં લગભગ 99 ટકા વાતચીત પૂરી થઈ ચૂકી છે. જ્યારે નાની-નાની અડચણોને ઉકેલવા માટે વાતચીત કરવાની છે. અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે પણ જણાવ્યું હતું કે 99 ટકા બાબતોને અંતિમ સ્વરુપ અપાઈ ચૂક્યું છે. હવે નાની-નાની અડચણો દૂર કરવા કામ થઈ રહ્યું છે.
સર્જિયો ગોરે જણાવ્યું હતું કે ભારત બહુ ઝડપથી અમેરિકાની સાથે બીટીએ (દ્વિપક્ષીય વેપાર કરાર) કરશે. આ વેપાર કરારની જાહેરાત થતાં પહેલાં બચેલા કેટલાક મુદ્દાને ઉકેલવા માટે બંને પક્ષો વચ્ચે બેથી ચાર જૂન સુધી ચર્ચા ચાલુ રહેશે. ભારત-અમેરિકા બંનેએ સાતમી ફેબ્રુઆરીના રોજ સંયુક્ત નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે બીટીએના પ્રથમ તબક્કામાં વચગાળાનો કરાર થાય છે. બંને પક્ષો હવે ડીલની કાયદાકીય શબ્દાવલિને અંતિમ સ્વરૂપ આપશે. નવા માળખા હેઠળ ભારત અમેરિકાના બધા ઇન્ડસ્ટ્રીયલ ગૂડ્સ સાથે ફૂડ અને એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ પર પણ ટેરિફ નાબૂદ કરશે કે ઘટાડશે. તેની સાથે ભારતે આગામી પાંચ વર્ષમાં 500 બિલિયન ડોલરની અમેરિકન એનર્જી પ્રોડક્ટ્સ, એરક્રાફ્ટ, કીમતી ધાતુ અને ટેકનોલોજી ખરીદવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter