નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે સાકાર થનારા દ્વિપક્ષીય વેપાર કરાર (બીટીએ) અંગેની વાતચીત અંતિમ તબક્કામાં પહોંચી છે. યુએસ એમ્બેસેડર સર્જિયો ગોર અને યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (યુએસટીઆર) જેમીસન ગ્રીરના નિવેદનોથી સ્પષ્ટ છે કે બંને દેશો આ ઐતિહાસિક કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે નિર્ણાયક રીતે આગળ વધી રહ્યા છે. આ કરારના અમલીકરણથી બંને દેશો વચ્ચે માત્ર આર્થિક સંબંધો મજબૂત નહીં થાય, પરંતુ વેપાર માટે નવા માર્ગો પણ ખુલશે.
કરારને લગભગ ઓપ અપાઇ ગયો છે, જ્યારે બાકી ટેકનિકલ ગૂંચવણોનો નિવેડો લાવવા જેમીસન ગ્રીર આજે - મંગળવારે ભારત પહોંચ્યા છે. સ્વાભાવિક છે કે આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન ભારત સરકાર અન્ય એશિયન દેશો કરતાં વધુ સારી શરતો પર યુએસ સાથે વેપાર કરાર મેળવવાનો પ્રયાસ કરશે.
વાતચીતનો અંતિમ તબક્કો ચાલુ
યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમીસન ગ્રીર નવી દિલ્હીમાં કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ સાથે બેઠકો યોજી રહ્યા છે. યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, ‘બંને દેશો એક મજબૂત વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે. તેમણે આને બંને દેશો વચ્ચે આર્થિક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા તરફ એક મુખ્ય પગલું ગણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કરારના લગભગ 99 ટકા ભાગને અંતિમ સ્વરૂપ આપી દેવાયું છે. બંને દેશો હવે બાકીની 1 ટકા ટેકનિકલ અને લીગલ ગૂંચવણોને ઉકેલવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. મહિનાની શરૂઆતમાં મુખ્ય વાટાઘાટકારોના સ્તરે સફળ બેઠકો યોજાઈ હતી. પીયૂષ ગોયલે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે બંને દેશો ટૂંક સમયમાં બાકી રહેલા મુદ્દાઓનું નિરાકરણ લાવશે, અને વચગાળાના કરારના પ્રથમ તબક્કા પર જુલાઈના મધ્ય સુધીમાં હસ્તાક્ષર થઈ શકે છે.
વાતચીતમાં તાજેતરના વેગ પાછળ 24 જુલાઈની ડેડલાઇન એક મહત્વપૂર્ણ પરિબળ મનાય છે. નોંધનીય છે કે, અમેરિકા દ્વારા તેના વેપાર ભાગીદારો પર લદાયેલા 10 ટકાનો કામચલાઉ વધારાનો ટેરિફ 24 જુલાઈના રોજ સમાપ્ત થવાનો છે. ભારત તેના સ્થાનિક ઉત્પાદન અને ટેકનોલોજી ક્ષેત્રોને ભવિષ્યના ટેરિફ આંચકાઓથી બચાવવા માટે આ સમયમર્યાદા પહેલા કરારને અંતિમ સ્વરૂપ આપવાનું લક્ષ્ય રાખે છે. ભારત અને અમેરિકા બન્ને દેશો કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે ઉત્સુક છે, કારણ કે બન્ને દેશો વચ્ચે તાજેતરમાં તંગ થયેલા સંબંધોને સુધારવા માટે તેને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ઘણા સમયથી ટ્રેડ ડીલની રાહ જોવાઈ રહી છે.


