નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાનું ટ્રેડ ડીલ લગભગ ફાઇનલ થઈ ગઇ છે અને તેની જાહેરાત આઠમી જુલાઈના રોજ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સમજૂતીની શરતોને લઈને બંને દેશ વચ્ચે સમજૂતી બની ચૂકી છે. સૂત્રોનું કહેવું છે કે ભારત તરફથી વાણિજ્ય વિભાગના મુખ્ય સચિવ રાજેશ અગ્રવાલ આ સમજૂતીના મુખ્ય વાટાઘાટકાર હતા. તેની આગેવાનીમાં વોશિંગ્ટનમાં આના પર સમજૂતી થઈ છે.
ભારત અને અમેરિકા વચ્ચે આ પ્રકારની સમજૂતી એવા સમયે થઈ છે જ્યારે ટ્રમ્પ દ્વારા વિશ્વના દેશો પર લગાવાયેલા રેસિપ્રોકલ ટેરિફનો સમયગાળો નવમી જુલાઈના રોજ પૂરો થઈ રહ્યો છે. રાજેશ અગ્રવાલની આગેવાની હેઠળ ગયેલી ભારતની ટીમ ત્યાં વાટાઘાટ માટે તેનું રોકાણ લંબાવવાની છે. ભારતીય અધિકારીઓએ તેમનું રોકાણ બીજા ત્રણ દિવસ લંબાવ્યું છે. બંને વચ્ચેની મંત્રણાનો પ્રારંભ 26 જૂને શરૂ થયો હતો.
ભારત સાથે ટુંકમાં મોટી ડીલઃ ટ્રમ્પ
યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા અને ચીન વચ્ચે વેપાર કરાર પર હસ્તાક્ષર થયા છે. અને ભારત સાથે પણ ટૂંક સમયમાં એક મોટો કરાર કરવામાં આવશે. તેમણે કહ્યું કે, બધા દેશો અમેરિકા સાથે વ્યવહાર કરવા માંગે છે, પરંતુ અમેરિકા ફક્ત થોડા દેશો સાથે જ વેપાર કરાર કરશે. બાકીના દેશોએ 25 ટકા અથવા 35 ટકા ટેરિફ ચૂકવવા પડશે. જોકે, ટ્રમ્પે ચીન સાથે વેપાર કરારની જોગવાઈઓ વિશે વિગતો આપી ન હતી.
બિગ - બ્યુટિફૂલ ટ્રેડ ડીલ અપેક્ષિતઃ નિર્મલા
ભારતનાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને અમેરિકાની સાથે બિગ એન્ડ બ્યૂટીફૂલ ટ્રેડ ડીલ કરીશું તેમ જણાવ્યું છે. તેની સાથે તેમણે આગામી દિવસોમાં જીએસટી રેટમાં ઘટાડો કરવાના સંકેત પણ પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભારતે વિશ્વની સૌથી મોટી ઈકોનોમી સાથે ટ્રેડ ડીલ કરવાની તૈયારી દાખવી છે. તેની સાથે ભારતના ખેડૂતો અને પશુપાલકોના હિતને સુનિશ્ચિત કરવા જરૂરી મર્યાદા પણ દર્શાવી દીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ગયા સપ્તાહે જણાવ્યું હતું કે ભારત અમેરિકા માટે મોટું બજાર ખોલશે, તેના પર પ્રતિસાદ આપતા નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે અમે ચોક્કસપણે અમેરિકા સાથે બિગ એન્ડ બ્યૂટીફુલ ટ્રેડ ડીલ કરવાનું પસંદ કરીશું.