ભારતને ડિફેન્સ ટેક્નોલોજી ટ્રાન્સફર કરવા અમેરિકા સંમત

Wednesday 07th June 2023 15:45 EDT
 
 

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકાએ સોમવારે સંરક્ષણ ટેક્નોલોજી ક્ષેત્રે સહયોગ માટે એક રોડમેપ તૈયાર કર્યો છે, જે સંરક્ષણ ક્ષેત્રે નવી ટેક્નોલોજીના કો-ડેવલપમેન્ટની સાથે સાથે હાલની અને નવી પદ્ધતિના સહઉત્પાદન માટે નવા અવસરોની ઓળખ કરશે. સંરક્ષણ ટેકનોલોજી ટાઇ-અપ્સને ફાસ્ટટ્રેક કરવા સંરક્ષણ ઔદ્યોગિક ઉત્પાદન માટે એક મહત્વાકાંક્ષી રૂપરેખાને અંતિમ સ્વરૂપ આપ્યું છે. ઇન્ડો-પેસિફિક પ્રાંતમાં ચીનની વધી રહેલી આક્રમકતાને જોતાં આ પગલું અત્યંત મહત્વનું મનાય છે.

ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને અમેરિકાના સંરક્ષણ મંત્રી લોઈડ ઓસ્ટિન વચ્ચે નવી દિલ્હીમાં આ રોડમેપને અંતિમ સ્વરૂપ અપાયું છે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને અમેરિકાની યાત્રાએ જવાના છે તેને જોતાં બન્ને દેશોની સંરક્ષણક્ષેત્રે આ મહત્વની પ્રગતિ સધાઇ છે.
સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે ‘બન્ને દેશોના મંત્રીઓએ સંરક્ષણને લગતી ચીજોના પૂરવઠાની વ્યવસ્થાની સલામતી માટે એક માળખા પર ચર્ચા શરૂ કરવાનું નક્કી કર્યું છે. જેમાં સામસામે પૂરવઠો આપવાની સમજૂતી પણ સામેલ હશે. આને કારણે લાંબા ગાળે પૂરવઠાને પ્રોત્સાહન મળશે.’

રિપોર્ટ મુજબ, દિલ્હીમાં રાજનાથ સિંહ અને લોઈડ ઓસ્ટિને મજૂબત અને બહુમુખી દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ ગતિવિધિની સમીક્ષા કરી હતી અને બન્ને દેશો વચ્ચે સહયોગ અને જોડાણની ગતિને જાળવી રાખવા પર સંમતિ વ્યક્ત કરી છે. બેઠક પછી રાજનાથ સિંહે ટ્વિટર પર કહ્યું છે કે આ ચર્ચા વ્યૂહાત્મક હિતોને સાચવવા અને સુરક્ષા સહયોગ વધારવા સહિત અનેક ક્ષેત્રોમાં સંરક્ષણ સહયોગ વધારવાને લગતી હતી.
અમેરિકાના સંરક્ષણ મંત્રીએ કહ્યું કે હાલમાં વિશ્વની સ્થિતિ ઝડપથી બદલાઇ રહી છે તે જોતાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો અગત્યના છે. અમે પીપુલ્સ ઓફ ચાઇનાની આક્રમકતા તો યુક્રેનમાં રશિયાના આક્રમણ જેવી બાબતોને જોઇ રહ્યા છીએ. જેને કારણે સરહદોની સલામતીની સાથે સાથે રાષ્ટ્રીય સાર્વભૌમકતા પણ જોખમાઇ છે. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને અત્યંત મહત્વનું ગણાવતાં ઓસ્ટિને ઉમેર્યું હતું કે અમેરિકા જે દેશો પર વિશ્વાસ કરે છે તેની સાથે જ આ ટેક્નોલોજી શેર કરે છે.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે બેઠક

એનએસએ દોવાલ સાથેની મીટિંગમાં ઓસ્ટિને પ્રાદેશિક અને વૈશ્વિક સલામતીને લગતા ચિંતાજનક પ્રશ્નો અંગે અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા. દોવાલે પણ દરિયાઇ સહયોગ અંગે તેમના વિચારો વ્યક્ત કર્યા હતા. એવું પણ મનાય છે કે સિંહ અને ઓસ્ટિને ફાઇટર જેટ એન્જિનો માટેની ટેક્નોલોજી ભારતને આપવાની જનરલ ઇલેક્ટ્રિકની દરખાસ્ત પર પણ ચર્ચા થઇ હતી. આ ઉપરાંત અમેરિકી કંપની જનરલ એટોમિક્સ એરોનોટિકલ સિસ્ટમ્સ ઇન્કા. પાસેથી 3 અબજ ડોલરથી વધુના 30 MQ-9B સશસ્ત્ર ડ્રોન્સ મેળવવાની ભારતની યોજના વિશે પણ વાત થઇ હતી. વડાપ્રધાન મોદીની અમેરિકા યાત્રા દરમિયાન આ સોદા પર હસ્તાક્ષર થાય તેવી સંભાવના છે. પીએમ મોદીના આગામી પ્રવાસને આડકતરીરીતે ટાંકતાં ઓસ્ટિને કહ્યું હતું કે ‘આમાંથી અનેક પ્રોજેક્ટોને આગામી મુલાકાતો દરમિયાન આગળ ધપાવવાની અમે રાહ જોઇ રહ્યા છીએ.’

મોદીની મુલાકાત માટે ઉત્સુક છે ભારતીય-અમેરિકનો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની સૌપ્રથમ સત્તાવાર મુલાકાત અંગે ભારતીય-અમેરિકનો અત્યંત ઉત્સાહિત અને આશાવાદી છે. વડા પ્રધાન મોદી આ મહિને કોંગ્રેસના સંયુક્ત સેશનને સંબોધવાના છે. ભારતીય અમેરિકનો માને છે કે આ મુલાકાતથી સલામતી, વેપાર, ઊર્જા, ટેક્નોલોજી અને અવકાશ સહિતના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં ખાસ તક મળી રહેશે. અમેરિકી પ્રમુખ જો બાઇડેન અને ફર્સ્ટ લેડી જિલ બાઇડેનના આમંત્રણ પર મોદી 21થી 24 જૂન દરમિયાન અમેરિકાની મુલાકાતે જશે. મોદીની ઐતિહાસિક મુલાકાતના સાક્ષી બનવા માટે ઘણાં લોકોએ વોશિંગ્ટન, ડીસીની ટિકિટ પણ બુક કરાવી લીધી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter