ભારતને ડિફેન્સ ટેક્નોલોજી ટ્રાન્સફર કરવા અમેરિકા સંમત

Wednesday 07th June 2023 07:26 EDT
 
 

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકાએ સોમવારે સંરક્ષણ ટેક્નોલોજી ક્ષેત્રે સહયોગ માટે એક રોડમેપ તૈયાર કર્યો છે, જે સંરક્ષણ ક્ષેત્રે નવી ટેક્નોલોજીના કો-ડેવલપમેન્ટની સાથે સાથે હાલની અને નવી પદ્ધતિના સહઉત્પાદન માટે નવા અવસરોની ઓળખ કરશે. સંરક્ષણ ટેક્નોલોજી ટાઇ-અપ્સને ફાસ્ટટ્રેક કરવા સંરક્ષણ ઔદ્યોગિક ઉત્પાદન માટે એક મહત્ત્વાકાંક્ષી રૂપરેખાને અંતિમ સ્વરૂપ આપ્યું છે. ઇન્ડો-પેસિફિક પ્રાંતમાં ચીનની વધી રહેલી આક્રમકતાને જોતાં આ પગલું અત્યંત મહત્ત્વનું મનાય છે.
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને અમેરિકાની યાત્રાએ જવાના છે તેને જોતાં બંનેે દેશોની સંરક્ષણક્ષેત્રે આ મહત્ત્વની પ્રગતિ સધાઇ છે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, ‘બંને દેશના મંત્રીઓએ સંરક્ષણને લગતી ચીજોના પુરવઠાની વ્યવસ્થાની સલામતી માટે એક માળખા પર ચર્ચા શરૂ કરવાનું નક્કી કર્યું છે. જેમાં સામસામે પુરવઠો આપવાની સમજૂતી પણ સામેલ હશે.’
રિપોર્ટ મુજબ, દિલ્હીમાં રાજનાથ સિંહ અને લોઈડ ઓસ્ટિને મજબૂત અને બહુમુખી દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ ગતિવિધિની સમીક્ષા કરી હતી અને બન્ને દેશો વચ્ચે સહયોગ અને જોડાણની ગતિને જાળવી રાખવા પર સંમતિ વ્યક્ત કરી છે. બેઠક પછી રાજનાથ સિંહે ટ્વિટર પર કહ્યું છે કે આ ચર્ચા વ્યૂહાત્મક હિતોને સાચવવા અને સુરક્ષા સહયોગ વધારવા સહિત અનેક ક્ષેત્રોમાં સંરક્ષણ સહયોગ વધારવાને લગતી હતી.
અમેરિકાના સંરક્ષણ મંત્રીએ કહ્યું કે હાલમાં વિશ્વની સ્થિતિ ઝડપથી બદલાઇ રહી છે તે જોતાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો અગત્યના છે. અમે પીપુલ્સ ઓફ ચાઇનાની આક્રમકતા, તો યુક્રેનમાં રશિયાના આક્રમણ જેવી બાબતોને જોઇ રહ્યા છીએ. જેને કારણે સરહદોની સલામતીની સાથે સાથે રાષ્ટ્રીય સાર્વભૌમત્વ પણ જોખમાય છે. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને અત્યંત મહત્ત્વના ગણાવતાં ઓસ્ટિને ઉમેર્યું હતું કે અમેરિકા જે દેશો પર વિશ્વાસ કરે છે તેની સાથે જ આ ટેક્નોલોજી શેર કરે છે.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે બેઠક
અમેરિકન સંરક્ષણમંત્રી ઓસ્ટિન સાથેની મુલાકાતમાં એનએસએ દોવાલે પણ દરિયાઇ સહયોગ અંગે તેમના વિચારો વ્યક્ત કર્યા હતા.મનાય છે કે બંને વચ્ચે ફાઇટર જેટ એન્જિનની ટેક્નોલોજી ભારતને આપવાની દરખાસ્ત પર પણ ચર્ચા થઈ હતી.
મોદીની મુલાકાત માટે ઉત્સુક ભારતીય-અમેરિકનો
જો બાઇડનના આમંત્રણ પર પ્રધાનમંત્રી મોદી 21થી 24 જૂન અમેરિકા જશે, ત્યારે તેમની આ મુલાકાત અંગે ભારતીય-અમેરિકનો ઉત્સાહિત છે. પ્રધાનમંત્રી ત્યાં કોંગ્રેસના સંયુક્ત સેશનને સંબોધશે. માનવામાં આવે છે કે આ મુલાકાતથી સલામતી, વેપાર, ઊર્જા, ટેક્નોલોજી, અવકાશ સહિતના ક્ષેત્રે દ્વિપક્ષીય સંબંધ મજબૂત બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter