નવી દિલ્હીઃ પ્રાથમિક અંદાજો મુજબ અમેરિકાના ટેરિફથી ભારતીય જીડીપીને વર્ષે 30 બિલિયન ડોલરનું નુકસાન જવાનો અંદાજ છે. આટલું નુકસાન ભારતની કુલ 4.3 લાખ કરોડ ડોલરની જીડીપીના 0.7ટકા જેટલું થાય છે. જોકે ટ્રમ્પે છેડેલા ટેરિફ વોરે સમગ્ર વિશ્વના વેપારના સમીકરણો બદલી નાખ્યા હોવાથી આગળ જતાં ભારતના વૈશ્વિક વેપારનું વૈવિધ્યકરણ થતાં તથા નવી સપ્લાય ચેઇનનો ઉદ્ભવ થતાં ભારતીય અર્થતંત્રને 10થી 15 બિલિયન ડોલરનો ફાયદો થવાની સંભાવના પણ નિષ્ણાતો નકારતા નથી. જો આમ થાય તો 30 બિલિયન ડોલરનું નુકસાન અડધા જેટલા પ્રમાણમાં સરભર થઇ શકે છે. એસબીઆઇના અહેવાલ મુજબ ટેરિફમાં એક ટકા વધારો થાય તો નિકાસના કદમાં 0.5 ટકાનો ઘટાડો થઇ શકે છે. આ હિસાબે ગણતરી કરીએ તો ભારતની જીડીપીમાં 0.5 ટકાનો ઘટાડો થઇ શકે છે જેનું મૂલ્ય 20 બિલિયન ડોલર જેટલું થાય છે.