ભારતવંશી પ્રોફેસરે વિકસાવ્યો સૌથી ઓછા વજનનો પેઇન્ટ

Wednesday 05th April 2023 06:14 EDT
 
 

મિયામી: અત્યાર સુધી આપણે ધૂળ અને પાણી સામે રક્ષણ આપનારા પેઈન્ટ વિશે સાંભળતા રહ્યા છીએ, પણ ફ્લોરિડામાં વસતાં એક ભારતવંશી વૈજ્ઞાનિકે હીટ-રિપેલિંગ ગુણો ધરાવતો દુનિયાનો સૌથી ઓછા વજનનો નવો પેઈન્ટ વિકસીત કર્યો છે. આ પેઈન્ટ લાંબા સમય સુધી ટકવાની સાથે ગરમી સામે પણ રક્ષણ આપે છે.
યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ ફલોરિડાના નેનો સાયન્સ ટેકનોલોજી સેન્ટરના પ્રોફેસર દેબાશિષ ચંદ્રએ આ ખાસ પ્રકારનો પેઈન્ટ વિકસિત કર્યો છે. આ પેઈન્ટ વજનમાં ખૂબ જ હલકો છે. હવે બોઈંગ વિમાનને પેઈન્ટ કરવા માટે ફકત 1.30 કિલોગ્રામ પેઈન્ટની જરૂર પડશે. સામાન્ય રીતે આ વિશાળકાય વિમાનને પેઈન્ટ કરવા માટે કુલ 453 કિલોગ્રામ પેઈન્ટની જરૂર પડતી હોય છે.
પ્રકૃતિપ્રેમી પ્રોફેસર ચંદ્રના મતે, પ્રકૃતિમાં અનેક રંગો હાજર છે. જે પક્ષીઓ, ફૂલો, પતંગિયાઓ અને માછલીઓમાં જોવા મળે છે. આ પેઈન્ટ માટે તેમણે પતંગિયાના રંગો પાસેથી પ્રેરણા લીધી છે. આ રંગો માટે પિગમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પેઈન્ટમાં રંગોની જગ્યાએ નેનો પાર્ટિકલ્સ નાખવામાં આવ્યા છે. આ પેઈન્ટને ‘પ્લાસમોનિક પેઈન્ટ’ નામ આપવામાં આવ્યું છે.
પ્રોફેસર ચંદ્રએ વિકસાવેલો પ્લાસમોનિક પેઈન્ટ દરેક પ્રકારના ઈન્ફ્રારેડ સ્પેક્ટ્રમને રિફલેક્ટ કરી દે છે, જેના કારણે ગરમી દૂર ફેંકાઈ જાય છે. વળી, આ રંગમાં ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન પણ ઓછું થશે, કારણ કે આ પેઈન્ટ સામાન્ય પેઈન્ટ કરતા 13થી 16 ડિગ્રી સેલ્સિયસ ઠંડો છે. અમેરિકામાં ઊર્જા વપરાશના લગભગ 10 ટકા વીજળીની ખપત એર કંડીશનરને ચલાવવામાં થાય છે. આ પેઈન્ટને કારણે તેમાં પણ ઘણો ઘટાડો થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter