નવી દિલ્હીઃ અમેરિકાના મેરિલેન્ડ સ્ટેટમાં એક ભારતીય પરિવારનાં ત્રણ લોકોનાં ગોળી વાગવાથી મૃત્યુ થયાં છે. મૃતકોમાં પતિ, પત્ની અને તેમના છ વર્ષીય પુત્રનો સમાવેશ થાય છે. આ પરિવાર કર્ણાટકનો વતની હતો. પોલીસ અનુસાર આ કેસ ડબલ મર્ડર અને સુસાઇડનો છે. 18 ઓગસ્ટે બાલ્ટીમોર કાઉન્ટીમાં આવેલા ઘરે ત્રણેયનાં મૃતદેહ મળી આવ્યા હતા. મૃતકોમાં યોગેશ એરા. નાગારાજખા (37), પ્રતિભા વાય. અમરનાથ (37) અને યશ (6) હોવાનું પોલીસે જણાવ્યું હતું. મીડિયા અહેવાલ અનુસાર, પોલીસની પ્રારંભિક તપાસમાં આ કેસ ડબલ મર્ડર અને સુસાઇડનો લાગે છે. આ ઘટના માટે પતિ યોગેશ પર શંકા કરવામાં આવી રહી છે. યોગેશે પહેલાં પત્ની અને પુત્રને ગોળી મારી હશે અને બાદમાં પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હશે.
યોગેશના પરિવારે જણાવ્યા અનુસાર યોગેશ છેલ્લા નવ વર્ષથી અમેરિકામાં રહેતો હતો. તે અને તેની પત્ની બંને સોફ્ટવેર એન્જિનિયર હતાં. યોગેશના કઝીન સંતોષે જણાવ્યું કે તે બંને ખુશ હતાં છતાં ખબર નહીં તેમણે કેમ આવું કર્યું. મૃતકોનાં મૃતદેહને ભારત લાવવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.