મોદીના નેતૃત્વમાં મજબૂત-વાઇબ્રન્ટ ભારતનું નિર્માણ થઇ રહ્યું છેઃ ટ્રમ્પ

Wednesday 25th September 2019 04:46 EDT
 
 

હ્યુસ્ટનઃ ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને સીધો સંદેશ આપતાં જણાવ્યું હતું કે, સરહદપારના કટ્ટર ઇસ્લામિક આતંકવાદ સામે ભારત અને અમેરિકા સાથે મળીને લડશે. ભારત અને અમેરિકા કટ્ટર ઇસ્લામિક આતંકવાદથી પોતાના નિર્દોષ નાગરિકોની સુરક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે.
તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભારત અને અમેરિકા માટે સરહદોની સુરક્ષા અત્યંત મહત્ત્વની છે. અમે અમેરિકામાં પણ કટ્ટર ઇસ્લામિક આતંકવાદથી નિર્દોષ ભારતીય અમેરિકનોની સુરક્ષા ગૌરવભેર કરી રહ્યાં છીએ. આમ કહીને તેમણે ઉમેર્યું હતું કે સરહદી સુરક્ષાના મામલે બંને દેશ એક સાથે મળીને કામ કરશે.
આ કાર્યક્રમમાં ટ્રમ્પે વડા પ્રધાન મોદીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, વડા પ્રધાન મોદી અમેરિકાના મહાન અને સૌથી વફાદાર મિત્ર છે. તેઓ ભારતના વિકાસ માટે અસામાન્ય કામગીરી કરી રહ્યાં છે. મોદીના નેતૃત્વમાં વિશ્વ એક મજબૂત, વાઇબ્રન્ટ ભારતનું નિર્માણ થતું જોઇ રહ્યું છે. વડા પ્રધાન મોદીને લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય માટે અભિનંદન આપતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, હું પીએમ મોદીની સાથે છું. અમારા સ્વપ્ન એક છે. ભારત અને અમેરિકા એકબીજાનું સન્માન કરે છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકાના સંબંધો આટલા મજબૂત ક્યારેય નહોતા. આગામી દિવસમાં મુંબઈ પહેલી વાર એનબીએ બાસ્કેટ બોલની મેચ રમાશે. ટ્રમ્પે વડા પ્રધાન મોદીને મજાકમાં સવાલ કર્યો હતો કે શું તેઓ મને મુંબઈમાં એનબીએની બાસ્કેટ બોલની મેચ જોવાનું આમંત્રણ આપશે? જોજો આમંત્રણ આપશો તો હું સાચેસાચ (ભારત) આવી જઈશ!
ઉલ્લેખનીય છે કે આ મજાકના જવાબમાં વડા પ્રધાન મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે તેઓ પ્રમુખ ટ્રમ્પને સહપરિવાર ભારત પ્રવાસે આવવા આમંત્રણ આપે છે.

ઈમરાનની ફજેતીઃ ટુકડા જેવી રેડ કાર્પેટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે હ્યુસ્ટનમાં એરપોર્ટ પર રેડ કાર્પેટ બિછાવાઈ હતી, પરંતુ ન્યૂ યોર્કમાં પાક. વડા પ્રધાન ઇમરાન ખાનના સ્વાગતમાં ઉષ્મા-આદરનો અભાવ ઉડીને આંખે વળગતો હતો. તેમને આવકારવા માટે એક અમેરિકન અધિકારી સુદ્ધાં આવ્યો ન હતો. આથી ઇમરાન અને તેમનું પ્રતિનિધિમંડળ શરમજનક સ્થિતિમાં મુકાયું હતું. ઇમરાન ખાન વિમાનમાંથી ઉતર્યા ત્યારે પણ તેમના સ્વાગતમાં પગલૂંછણિયા જેવી દોઢ-બે ફૂટની રેડ કાર્પેટ મુકાયેલી જોવા મળતી હતી. બીજી તરફ, હ્યુસ્ટનમાં અનેક અમેરિકન અધિકારીઓએ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ મુદ્દે પાકિસ્તાનના રેલવે પ્રધાન શેખ રશીદ ભડક્યા હતા. તેમણે કહ્યું હતું કે, કાશ્મીર મુદ્દે અમેરિકા પર વિશ્વાસ ના કરી શકાય. આ મામલામાં ફક્ત ચીન અમારું મિત્ર છે.
ઉલ્લેખનીય છે કે પાક. વડા પ્રધાન સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના ખાસ વિમાનમાં સાત દિવસના અમેરિકા પ્રવાસે પહોંચ્યા છે. સાઉદી ક્રાઉન પ્રિન્સે ઇમરાન ખાનને કોમર્શિયલ વિમાનમાં જતા રોક્યા હતા. ક્રાઉન પ્રિન્સે કહ્યું હતું કે, તમે અમારા વિશેષ મહેમાન છો અને તમે મારા ખાસ વિમાનમાં અમેરિકા જશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter