હ્યુસ્ટનઃ અમેરિકામાં વસતાં કાશ્મીરી પંડિતો સમુદાયનું પ્રતિનિધિ મંડળ શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યું હતું અને જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા આર્ટિકલ ૩૭૦ને નાબૂદ કરતા ઐતિહાસિક નિર્ણય બદલ આભાર માન્યો હતો. આ ઉપરાંત દાઉદી વહોરા અને શીખ સમુદાયના પ્રતિનિધિ મંડળે પણ વડા પ્રધાનને મળીને તેમનું સન્માન કર્યું હતું.
કાશ્મીરી પંડિતો સાથેની મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદીએ ૧૯૮૯-૯૦માં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદના કારણે કરવા પડેલા સ્થળાંતરથી કાશ્મીરી પંડિત સમુદાયને ભોગવવી પડેલી યાતનાઓને યાદ કરતાં જણાવ્યું હતું કે, તમે ઘણી યાતનાઓ ભોગવી છે, પરંતુ હવે વિશ્વ બદલાઈ રહ્યું છે. નવા કાશ્મીરના નિર્માણ માટે આપણે સાથે મળીને આગળ વધવાનું છે.
કાશ્મીરી પંડિત સમુદાયના પ્રતિનિધિ મંડળ સાથેની મુલાકાત બાદ મોદીએ ટ્વિટ કર્યું હતું કે, હ્યુસ્ટનમાં મેં કાશ્મીરી પંડિત સમુદાયના લોકો સાથે વિશેષ વાતચીત કરી હતી.
આ મુલાકાત દરમિયાન પ્રતિનિધિ મંડળના એક સભ્યે વડા પ્રધાન મોદીના હાથ પર ચુંબન કરીને જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ નાબૂદ કરવાના ઐતિહાસક નિર્ણય માટે વિશ્વભરમાં વસતા સાત લાખથી વધુ કાશ્મીરી પંડિતો વતી તેમનો આભાર માન્યો હતો. પ્રતિનિધિ મંડળે વડા પ્રધાન મોદીને ખાતરી આપી હતી કે, શાંતિપૂર્ણ અને સમૃદ્ધ કાશ્મીરના નિર્માણ માટે કાશ્મીરી પંડિત સમુદાય તમામ સહકાર આપશે.
દાઉદી વહોરા અને શીખ સમુદાયને પણ મળ્યા
કાશ્મીરી પંડિતો ઉપરાંત અમેરિકામાં વસતાં ભારતીય દાઉદી વહોરા સમુદાયના લોકોએ પણ વડા પ્રધાન મોદીનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. આ જ રીતે મોદી શીખ સમુદાયના લોકોને પણ મળ્યા હતા. ભારતમાં મોદી સરકારે અનેક સિદ્ધિસમાન નિર્ણયો લીધા એ બદલ શીખ સમુદાયે મોદીને અભિનંદન આપ્યા હતા.
વડા પ્રધાન સાથેની બેઠક દરમિયાન શીખ સમુદાયના લોકોએ એક મેમોરન્ડમ પણ આપ્યું હતું. જેમાં તેમણે ૧૯૮૪નાં શીખવિરોધી રમખાણો, ભારતીય બંધારણની કલમ ૨૫ અને આનંદ મેરેજ એક્ટ, વિઝા અને પાસપોર્ટ જેવા મુદ્દા ઉઠાવ્યા છે. આ સિવાય દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ બદલીને ગુરુ નાનક દેવ આંતરરાષ્ટ્રીય વિમાનમથક કરવાની માગ કરી છે.


