ન્યૂ યોર્ક: અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા તેમના રાજકીય સંસ્મરણોના પુસ્તક ‘અ પ્રોમિસ્ડ લેન્ડ’માં અમેરિકા સહિતના વિશ્વના સંખ્યાબંધ નેતાઓ પર ટિપ્પણી કરી છે.
ન્યૂ યોર્ક ટાઇમ્સના અહેવાલ અનુસાર ‘અ પ્રોમિસ્ડ લેન્ડ’ પુસ્તકમાં બરાક ઓબામાએ ભારતના કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, મનમોહનસિંહ અને સોનિયા ગાંધી પર કેટલાંક અવલોકનો આપ્યાં છે.
રાહુલ ગાંધી પર ટિપ્પણી કરતા ઓબામાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી એક હતાશ અને અપરિપક્વ વ્યક્તિ છે. રાહુલ ગાંધી એક એવા વિદ્યાર્થી જેવા છે જે એમ માને છે કે તેણે આખો અભ્યાસક્રમ સારી રીતે તૈયાર કરી લીધો છે. તે તેના શિક્ષકને પ્રભાવિત કરવા આતુર છે પરંતુ તેનામાં વિષયમાં નિપુણતા માટેના જુસ્સા અને યોગ્યતાનો અભાવ છે.
બરાક ઓબામાના અમેરિકાના પ્રમુખ તરીકેના કાર્યકાળમાં રાહુલ ગાંધી કોંગ્રેસના ઉપાધ્યક્ષ હતા. ડિસેમ્બર ૨૦૧૭માં બરાક ઓબામા ભારત આવ્યા ત્યારે તેમની રાહુલ ગાંધી સાથે મુલાકાત થઇ હતી. આ મુલાકાત બાદ રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે, ઓબામા સાથેની મુલાકાત અદ્ભુત હતી. તેમની સાથેની ચર્ચા ઘણી ફળદાયી રહી. ઓબામાનું ૭૬૮ પેજનું પુસ્તક પ્રોમિસ્ડ લેન્ડ ૧૭ નવેમ્બરે પ્રસિદ્ધ થયું છે.
ભારતના પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ શાંત અને ઇમાનદાર વ્યક્તિ
ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ તેમના રાજકીય સંસ્મરણોમાં મનમોહનસિંહને શાંત અને ઇમાનદાર વ્યક્તિ ગણાવ્યા છે. મનમોહન સિંહની યુપીએ સરકારના કાર્યકાળમાં નવેમ્બર ૨૦૦૯માં બરાક ઓબામા અને તેમના પત્ની મિશેલ ઓબામા ભારતના મહેમાન બન્યાં હતાં તે ઉલ્લેખનીય છે.
મહિલાની સુંદરતાની ચર્ચા થતી નથી પરંતુ સોનિયા ગાંધી અપવાદ છે
ઓબામાએ તેમના પુસ્તકમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે આપણે ચાર્લી ક્રિસ્ટ અને રાહમ ઇમેન્યુઅલ જેવા પુરુષોની સુંદરતાની ચર્ચા કરીએ છીએ પરંતુ મહિલાઓની સુંદરતા પર ચર્ચા કરી નથી. સિવાય કે એક કે બે અપવાદ સિવાય. આ અપવાદમાં સોનિયા ગાંધી સામેલ છે.