ન્યૂ યોર્કઃ ભારતના દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે યુકે બાદ હવે યુએસમાં વ્યવસાય વિસ્તાર્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ)એ ન્યૂ યોર્કમાં પ્રીમિયમ લક્ઝરી હોટેલ મેન્ડેરિન ઓરિએન્ટલ ખરીદવા ૯.૮૧ કરોડ ડોલરમાં ડીલ કર્યું છે. આ વિખ્યાત હોટેલ પોતાના બોલરૂમ, ફાઇવ સ્ટાર સ્પા અને ખાવા-પીવાના સ્થાનો માટે જાણીતી છે. આ હોટેલના નિયમિત સેલિબ્રિટી મુલાકાતીઓમાં આયરલેન્ડના અભિનેતા લિયામ નીસન અને અમેરિકન અભિનેત્રી લૂસી લિયૂનો સમાવેશ થાય છે. રિલાયન્સે એક જ વર્ષમાં આ બીજી હોટેલ ખરીદી છે. ગત એપ્રિલમાં કંપનીએ જેમ્સ બોન્ડની મૂવીમાં ચમકેલી યુકેની સ્ટોક પાર્ક હોટેલ ખરીદી હતી.
રિલાયન્સ આ ટેઇકઓવર તેની સહયોગી કંપની દ્વારા કરશે. મેન્ડેરિન ઓરિએન્ટલ હોટેલ ૨૦૦૩માં બની છે. આ પ્રતિષ્ઠિત લક્ઝરી હોટેલ પ્રિસ્ટીન સેન્ટ્રલ પાર્ક અને કોલંબસ સર્કલની નજીક આવેલી છે. આ હોટલમાં ૨૪૮ રૂમ છે.
આઠમી ડિસેમ્બરે શેરબજારને અપાયેલી માહિતીમાં જણાવાયું હતું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સંપૂર્ણ માલિકીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ્સ એન્ડ હોલ્ડિંગ્સ લિમિટેડ (આરઆઇઆઇએચએલ)એ કોલંબસ સેન્ટર કોર્પોરેશન (કેમેન)ની સંપૂણ શેરમૂડીના અધિગ્રહણ માટે સમજૂતી કરી છે.
કેમેન આઇલેન્ડમાં સ્થાપિત આ કંપનીની પાસે મેન્ડેરિન ઓરિએન્ટલની ૭૩.૩૭ ટકા હિસ્સેદારી છે. આ સોદો ૯.૮૧ કરોડ ડોલરથી વધુ રકમમાં થયો છે. ઉલ્લેખનીય છે કે એક વર્ષથી પણ ઓછા સમયમાં રિલાયન્સ દ્વારા બીજી જાણીતી હોટેલનું અધિગ્રહણ કરવામાં આવ્યું છે. ગયા વર્ષે એપ્રિલમાં રિલાયન્સે બ્રિટનમાં સ્ટોક પાર્ક લિમિટેડનું અધિગ્રહણ કર્યુ હતું.
મેન્ડેરિન હોટેલની આવક ઘટીને ૧૧૧ કરોડ
મેન્ડેરિન ઓરિએન્ટલ ન્યૂ યોર્ક શહેરની પ્રતિષ્ઠિત લક્ઝરી હોટેલમાંની એક છે, પરંતુ કોરોના મહામારીના નિયંત્રણોએ તેની કમાણીને પણ ફટકો માર્યો છે. મેન્ડેરિન હોટેલની આવક ૨૦૧૮માં રૂ. ૮૫૪ કરોડ હતી. જે ૨૦૧૯માં થોડીક ઘટીને રૂ. ૮૪૦ કરોડ થઈ હતી. જોકે કોરોનાની મહામારીને કારણે ૨૦૨૦માં તેની આવકમાં જંગી ઘટાડો થયો હતો અને આંકડો ઘટીને રૂ. ૧૧૧ કરોડ થઈ ગયો હતો. રિલાયન્સે કન્ઝ્યુમર અને હોસ્પિટાલિટી સેક્ટરનો કારોબાર વિસ્તારવા હોટેલ ખરીદી હોવાનું મનાય છે.
કંપની વિસ્તરણની મહત્ત્વાકાંક્ષી યોજના
મુકેશ અંબાણીના નેતૃત્ત્વવાળા રિલાયન્સ જૂથની પાસે લગભગ ૨.૬ લાખ કરોડ રૂપિયા કેશ છે. અંબાણી આ રોકડનો ઉપયોગ કરીને પરિવર્તનની તૈયારી કરી રહ્યા છે. આ જૂથ ડિજિટલ અને રિટેલ કારોબારને રિલાયન્સના નેજામાં વિસ્તારવા માગે છે. આનાથી રિલાયન્સ જૂથની નફા માટે પોતાના પરંપરાગત ઓઇલ બિઝનેસ પરની નિર્ભરતા ઓછી થશે.
આ સોદો માર્ચ-૨૦૨૨ સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. કંપનીએ જણાવ્યું છે કે હોટેલમાં હિસ્સેદારી રાખનાર અન્ય ભાગીદારોની વેચાણ પ્રક્રિયામાં સામેલ થવા પર આરઆઇઆઇએચએલ તેમાં બાકીની ૨૬.૬૩ ટકા હિસ્સેદારી પણ ખરીદશે.


