રૂ. ૨૪,૭૩૧ કરોડના રિલાયન્સ-ફ્યુચર રિટેલ ડીલને ‘સુપ્રીમ’ આંચકો

Thursday 12th August 2021 04:15 EDT
 
 

નવી દિલ્હી: રિલાયન્સ રિટેલ અને ફ્યૂચર રિટેલ લિમિટેડ (એફઆરએલ)ના રૂપિયા ૨૪,૭૩૧ કરોડના વિલીનીકરણ સોદાને સ્થગિત કરતા સિંગાપોરની ઇમર્જન્સી આર્બિટ્રેટર કોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટે ભારતીય કાયદા અંતર્ગત માન્ય ગણાવ્યો છે. આમ રિલાયન્સ રિટેલ અને ફ્યૂચર રિટેલ લિમિટેડને મોટો ફટકો પડયો છે. જસ્ટિસ આર. એફ. નરિમાનના નેતૃત્વ હેઠળની બેન્ચે પ્રોપોઝિશન લોનું વ્યાપક અર્થઘટન કરતાં જણાવ્યું હતું કે, કોઇ પણ વિદેશની ઇમર્જન્સી આર્બિટ્રેટર (ઇએ)નો ચુકાદો ઇન્ડિયન આર્બિટ્રેશન એન્ડ કન્સિલિયેશન એક્ટ અંતર્ગત ભારતમાં લાગુ પડે છે. ફ્યૂચર રિટેલ લિમિટેડે કોર્ટમાં દલીલ આપી હતી કે સિંગાપોરની ઇમર્જન્સી આર્બિટ્રેટર ભારતીય કાયદા અંતર્ગત લવાદ બની શકે નહીં. ભારતના કાયદામાં આ અંગેનો કોઇ ઉલ્લેખ નથી. જોકે એફઆરએલની આ દલીલ નકારી કાઢતાં સુપ્રીમે જણાવ્યું હતું કે, આર્બિટ્રેશન એન્ડ કન્સિલિયેશન એક્ટની કલમ ૧૭(૧) અંતર્ગત ઇએનો ચુકાદો આવ્યો છે અને કલમ ૧૭(૨) અંતર્ગત ઇએના ચુકાદાને ભારતમાં લાગુ કરી શકાય.
ચુકાદા બાદ ફ્યૂચર ગ્રૂપે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો ઇમર્જન્સી આર્બિટ્રેટરના ચુકાદાનો ભારતમાં અમલ થઇ શકે કે નહીં તેવા બે મર્યાદિત મુદ્દા પર જ આધારિત છે. સુપ્રીમ કોર્ટે મૂળ વિવાદના મુદ્દાઓને ધ્યાનમાં લીધા જ નથી. કંપની ઉપલબ્ધ તમામ વિકલ્પોનો ઉપયોગ કરશે. બીજી તરફ, ચુકાદા બાદ એમેઝોનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઇમર્જન્સી આર્બિટ્રેટરના ચુકાદાને માન્ય રાખતા સુપ્રીમ કોર્ટના ચુકાદાને અમે આવકારીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે આ ચુકાદા બાદ ફ્યૂચર ગ્રૂપ સાથેના વિવાદનો ઉકેલ આવી જશે.
અંબાણીની સંપત્તિ ઘટી, બેજોસની વધી
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ માર્કેટમાં થયેલી તીવ્ર વધઘટના કારણે મુકેશ અંબાણીની સંપત્તિમાં રૂ. ૩૩૬૬ કરોડનો ઘટાડો થયો હતો જ્યારે એમેઝોનના જેફ બેજોસની સંપત્તિ રૂ. ૮૧૫૮ કરોડ વધી હતી. મુકેશ અંબાણી વિશ્વના ૧૨મા સૌથી અમીર છે, જ્યારે બેજોસ વિશ્વના બીજા ક્રમના સૌથી અમીર વ્યક્તિ છે.
રિલાયન્સ શેરોમાં બે ટકા, ફ્યૂચરના શેરોમાં ૨૦ ટકાનો કડાકો
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મુંબઇ શેરબજારમાં રિલાયન્સ ગ્રૂપના શેરમાં બે ટકાનો કડાકો બોલી ગયો હતો. જેના કારણે રિલાયન્સ ગ્રૂપના માર્કેટ કેપમાં રૂપિયા ૧.૩ લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ ફ્યૂચર ગ્રૂપની કંપનીઓના શેરોમાં પણ ૨૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
એમેઝોન સાથે કરાર છતાં રિલાયન્સ સાથે સોદો
ઓગસ્ટ ૨૦૧૯માં એમેઝોને રૂપિયા ૧૪૩૧ કરોડ ખર્ચીને ફ્ચૂયર ગ્રૂપની કંપની ફ્યૂચર કૂપન્સમાં ૪૯ ટકા હિસ્સેદારી ખરીદી હતી. ફ્યૂચર કૂપન્સ ફ્યૂચર રિટેલમાં ૧૦ ટકા હિસ્સો ધરાવે છે. તે સમયે એમેઝોન અને ફ્યૂચર ગ્રૂપ વચ્ચે સમજૂતી થઈ હતી કે ૩થી ૧૦ વર્ષ પછી એમેઝોન ફ્યૂચર રિટેલમાં હિસ્સો ખરીદી શકશે અને ફ્યૂચર રિટેલ તેનો હિસ્સો રિલાયન્સને વેચશે નહીં. જોકે કોરોનાકાળમાં ફ્યૂચર ગ્રૂપની સ્થિતિ ખસ્તાહાલ થતાં કિશોર બિયાનીએ ઓગસ્ટ ૨૦૨૦માં રિલાયન્સ રિટેલને રૂપિયા ૨૪,૭૧૩ કરોડમાં ફ્યૂચર રિટેલ વેચી દેવાનો સોદો કરી નાખ્યો હતો. આ સોદાને એમેઝોન કંપની ઇન્ટરનેશનલ આર્બિટ્રેશનમાં લઇ ગઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter