વોશિંગ્ટનઃ અમેરિકાના વિદાય લઈ રહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અમેરિકાના સર્વોચ્ચ સૈન્ય સન્માનોમાંથી એક લિજન ઓફ મેરિટથી સન્માન કર્યું છે. અમેરિકા સાથે દ્વિપક્ષીય વ્યૂહાત્મક સંબંધોને નવી ઊંચાઈએ પહોંચાડવામાં તેમજ ભારતને વૈશ્વિક મહાસત્તા તરીકે સ્થાપિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવવા બદલ વડા પ્રધાન મોદીને આ સન્માન એનાયત થયું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ સન્માન બદલ પ્રમુખ ટ્રમ્પનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, આ સન્માન ભારત અને અમેરિકાના સંબંધો વધુ મજબૂત બન્યા હોવાનું સ્થાપિત કરે છે. અમેરિકાના લિજન ઓફ મેરિટ એવોર્ડથી સન્માનિત થતા હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. આ સન્માન ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી નવી ઊંચાઈએ પહોંચી હોવાનો પુરાવો છે.
તેમણે કહ્યું કે ૨૧મી સદી અનેક પડકારો તેમજ અનેક તકો રજૂ કરે છે. ભારત અને અમેરિકાની ભાગીદારી સંપૂર્ણ માનવતાના લાભમાં વૈશ્વિક નેતૃત્વ પૂરું પાડવાની આપણા લોકોની વિશિષ્ટ શક્તિની વ્યાપક સંભાવનાઓનો લાભ મેળવી શકે છે તેમ વડા પ્રધાને ટ્વીટ કરીને જણાવ્યું હતું.
અમેરિકા ખાતેના ભારતના રાજદૂત તરનજિતસિંહ સંધુએ સોમવારે વ્હાઇટ હાઉસમાં યુએસ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર રોબર્ટ ઓ’બ્રાયનના હસ્તે વડા પ્રધાન વતી આ એવોર્ડ સ્વીકાર્યો હતો. ઓ’બ્રાયને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ભારત-અમેરિકાની વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવા બદલ પ્રમુખ ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લિજન ઓફ મેરિટ એવોર્ડથી સન્માનિત કર્યા છે. લિજન ઓફ મેરિટ એવોર્ડ વિદેશની સરકારના વડાઓને અપાતો સર્વોચ્ચ અમેરિકન સૈન્ય મેડલ છે.
નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ એવોર્ડ વૈશ્વિક સ્તરે ભારતને મહાસત્તા તરીકે સ્થાપિક કરવા માટેના વિઝન અને વડા પ્રધાન મોદીના અડગ નેતૃત્વને સ્થાપિત કરે છે. ભાજપના પ્રમુખ જે.પી. નડ્ડા અને ગૃહ પ્રધાન અમિત શાહ સહિત વરિષ્ઠ નેતાઓએ જણાવ્યું હતું કે, આ પ્રતિષ્ઠિત એવોર્ડ વડા પ્રધાન મોદીની વૈશ્વિક નેતા તરીકે સ્વીકૃતિ અને તેમના વિઝન, અડગ નેતૃત્વ અને ડિપ્લોમસીની ‘સ્વીકૃતિ’ને સ્થાપિત કરે છે.
ઓ’બ્રાયને અન્ય એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, ટ્રમ્પે ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્જો આબેને પણ લિજન ઓફ મેરિટ એવોર્ડથી સન્માનિત કર્યા છે. વોશિંગ્ટન ડીસીમાં ઓસ્ટ્રેલિયા અને જાપાનના રાજદૂતોએ તેમના નેતાઓના પ્રતિનિધિ તરીકે આ એવોર્ડ સ્વીકાર્યો હતો.
અન્ય દેશોએ પણ કર્યું છે નરેન્દ્ર મોદીનું સન્માન
અમેરિકાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું તેના સર્વોચ્ચ સૈન્ય સન્માન ‘લિજન ઓફ મેરિટ’ એવોર્ડથી સન્માન કર્યું છે. વડા પ્રધાન મોદીને અન્ય દેશોએ પણ તેમના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કર્યા છે.
સાઉદી અરેબિયાએ ૨૦૧૬માં વડા પ્રધાન મોદીને ઓર્ડર ઓફ અબ્દુલ અઝીઝ અલ-સાઉદથી સન્માનિત કર્યા હતા. વડા પ્રધાન મોદીને વૈશ્વિક સ્તરે મળેલા અન્ય પ્રતિષ્ઠિત એવોર્ડ્સમાં સ્ટેટ ઓર્ડર ઓફ ગાઝી અમિર અમાનુલ્લાહ ખાન (૨૦૧૬), ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઈન એવોર્ડ (૨૦૧૮), ઓર્ડર ઓફ ઝાયેદ એવોર્ડ (૨૦૧૯ - યુએઇ), ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રયુ (૨૦૧૯ - રશિયા), ઓર્ડર ઓફ ધ ડિસ્ટિંગ્વિશ્ડ રુલ ઓફ નિશાન ઈઝુદ્દિન (૨૦૧૯-માલદિવ્સ)નો સમાવેશ થાય છે.