વોશિંગ્ટનઃ અમેરિકાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને કામચલાઉ કામદારો સહિત નોન-ઇમિગ્રન્ટ વિઝા અરજદારો માટે વિઝા માટેના ઇન્ટરવ્યૂમાં મુક્તિની સુવિધા લંબાવી છે. અમેરિકન વિદેશ વિભાગે એક અખબારી નિવેદનમાં જણાવ્યું છે કે, વિદેશ પ્રધાને કેટલાક ચોક્કસ નોન-ઇમિગ્રન્ટ વિઝા કેટેગરી માટે કોન્સ્યુલર ઓફિસર્સની અરજદારને વ્યક્તિગત રીતે ઇન્ટરવ્યૂ માટે હાજર થવાથી મુક્તિ આપવાની સત્તાને 31 ડિસેમ્બર 2023 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.
અમેરિકન વિદેશ વિભાગે એક ટ્વિટ કરીને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ અને કામચલાઉ કામદારોની અમેરિકન અર્થવ્યવસ્થા પર હકારાત્મક અસર છે. અમારી ટીમ હાલ વિઝા માટે જોવી પડતી રાહના સમયગાળાને ઘટાડવાની દિશામાં કામગીરી શરૂ કરી છે. જેના ભાગરૂપે કેટલાક ચોક્કસ નોન-ઇમિગ્રન્ટ વિઝા અરજદારોને આગામી 31 ડિસેમ્બર 2023 સુધી ઇન્ટરવ્યૂમાંથી મુક્તિ રહેશે.
કઈ કેટેગરીના અરજદારોને મુક્તિ મળશે?
• કામચલાઉ કૃષિ અને બિનકૃષિ કામદારો (H-2 વિઝા) • વિદ્યાર્થી (F અને M વિઝા) • એકેડેમિક J વિઝા અને પર્સન્સ ઇન સ્પેશિયાલિટી ઓક્યુપેશન્સ (H-1B વિઝા) • ટ્રેઇની અથવા સ્પેશિયલ એજ્યુકેશન વિઝિટર્સ (H-3 વિઝા) • ઇન્ટ્રાકંપની ટ્રાન્સફર્સ (L વિઝા) • એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી અથવા એચીવમેન્ટ સાથેની વ્યક્તિઓ (O વિઝા) • એથ્લીટ, આર્ટિસ્ટ અને એન્ટરટેઇનર્સ (P વિઝા) અને • આંતરરાષ્ટ્રીય કલ્ચરલ એક્સ્ચેન્જ કાર્યક્રમમાં ભાગ લેનારા લોકો (Q વિઝા) સામેલ છે.