હમ સાથ સાથ હૈ... ભારત-યુએસ સંબંધ વધુ મજબૂત બનાવવા પ્રતિબદ્ધ

Thursday 14th April 2022 05:08 EDT
 
 

વોશિંગ્ટનઃ છેલ્લાં દોઢેક મહિનાથી યૂક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા લોહિયાળ જંગ વચ્ચે સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેને વર્ચ્યુઅલ મિટીંગ યોજી હતી. બેઠક દરમિયાન બંને મહાનુભાવોએ રશિયા-યૂક્રેન યુદ્ધ, કોરોના મહામારી સહિતના મામલે ચર્ચા કરી હતી. મોદી અને બાઈડેને મંત્રણા દરમિયાન બંને દેશોના સંબંધોને વધુ ગાઢ બનાવવા પર ભાર મુક્યો હતો.
બંને મહાનુભાવોની બેઠક બાદ અમેરિકન રાષ્ટ્રપતિ બાઈડેને જણાવ્યું હતું કે રશિયન આક્રમણને લીધે સર્જાયેલી અસ્થિરતાની સ્થિતિને કેવી રીતે નિયંત્રણમાં લેવી તે મામલે અમેરિકા અને ભારત મંત્રણાઓ ચાલુ રાખશે. એટલું જ નહીં, બાઈડેને આગામી 24 મેના રોજ જાપાનમાં યોજાનારી ક્વાડ દેશોની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ મળવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી.

સંબંધો મજબૂત બનાવવા મંત્રણા-સંવાદ જરૂરી
બેઠકના પ્રારંભમાં બાઈડેને જણાવ્યું હતું કે હું આજની આપણી મંત્રણા અંગે આશાસ્પદ વલણ ધરાવું છું. તેમણે વડા પ્રધાન મોદીને સંબોધતા જણાવ્યું હતું કે આપણી વચ્ચેની મંત્રણાઓ અને સંવાદ અમેરિકા અને ભારતના સંબંધોને વધુ ગાઢ અને મજબૂત બનાવવા માટે મહત્ત્વના છે.

યૂક્રેન સંઘર્ષનો ઉકેલ વાતચીત લાવવા આશાવાદી
ચર્ચા દરમિયાન વડા પ્રધાન મોદીએ બાઈડેનને જણાવ્યું હતું કે અમારી સંસદમાં યૂક્રેન સંઘર્ષ અંગે વિસ્તૃત ચર્ચા થઈ છે. યૂક્રેનના બુચા શહેરમાં થયેલા નરસંહાર અંગે અમે નિષ્પક્ષ તપાસની માગ કરી છે. સમસ્યાનો ઉકેલ પરસ્પર વાતચીતના માધ્યમથી લાવી શકાશે તેવી અમને આશા છે. અમે યૂક્રેનના નાગરિકોની મદદ માટે દવાઓ અને અન્ય રાહત સામગ્રી મોકલી છે.
મોદીએ કહ્યું કે મેં રશિયન રાષ્ટ્રપતિ પુતિનને યૂક્રેનના વડા પ્રધાન સાથે પ્રત્યક્ષ વાતચીત કરવા સૂચન કર્યું હતું જેથી સંઘર્ષનો વાતચીત દ્વારા શાંતિપૂર્ણ ઉકેલ લાવી શકાય. તેમણે બાઈડેનના ‘ડેમોક્રેસી કેન ડિલિવર’ સૂત્રને અર્થપૂર્ણ ગણાવ્યું હતું. બાઈડેને પણ ભારતના માનવતાવાદી પગલાંની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે ભારતે યુક્રેનની સહાય માટે દાખવેલી પહેલ પ્રશંસનીય છે.

ચીન મામલે ભારતને મદદની ખાતરી
ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની સાથે દ્વિપક્ષીય વાતચીત દરમિયાન અમેરિકાના સંરક્ષણ મંત્રી લોઈડ ઓસ્ટિને ચીન તરફથી હિંદ-પેસેફિક મહાસાગરમાં કરાઈ રહેલી દાદાગીરીનો મુદ્દો ઉઠાવ્યો છે. લોઈડ ઓસ્ટિને કહ્યું કે ભારત સાથેની લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર ચીન સૈન્યનો જમાવડો કરી રહ્યું છે અને દક્ષિણ ચીન સાગરમાં પાયા વગરના દાવા કરીને હિન્દ-પેસેફિક ક્ષેત્રમાં ચીન આ પડકારને વધારી રહ્યું છે. આ પડકારનો સામનો કરવા માટે અમેરિકા ભારતની સાથે છે અને પોતાની સંપ્રભુતાની સુરક્ષા કરવા ભારતને સંપૂર્ણ મદદ કરશે.
વાતચીત દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એ વાત પર ભાર મૂક્યો કે ભારત અમેરિકા સાથેના પોતાના સંબંધોને મહત્વ આપે છે. સાથે જ આ મામલાઓમાં સાર્થક સહયોગની આશા રાખે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter