હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ઃ મોદી સાથે પ્રમુખ ટ્રમ્પ પણ હાજર રહેશે

Tuesday 17th September 2019 15:05 EDT
 
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૧ સપ્ટેમ્બરથી સાત દિવસના અમેરિકા પ્રવાસે જઇ રહ્યા છે. આ દરમિયાન ૨૨ સપ્ટેમ્બરે તેઓ ટેક્સાસના હ્યુસ્ટનમાં ભારતીય સમુદાયને સંબોધશે. ‘Howdy Modi’ નામના આ મેગા ઇવેન્ટમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઉપસ્થિત રહેશે તેવી જાહેરાત થઇ છે. અમેરિકામાં આ પ્રથમ ઘટના હશે, જેમાં કોઈ અમેરિકી પ્રમુખ ભારતીય વડા પ્રધાન સાથે એક જ મંચ પરથી ભારતીય સમુદાયને સંબોધશે. આ મેગા ઇવેન્ટમાં હાજરી આપવા ભારતીય સમુદાયના ૫૦ હજારથી વધુ લોકો રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. ‘Howdy’ એ ખરેખર તો ‘હાઉ ડૂ યુ ડૂ’નું ટૂંકાક્ષરી રૂપ છે. હ્યુસ્ટન શહેર અમેરિકાનું સૌથી વધુ વસ્તી ધરાવતું ચોથા નંબરનું શહેર છે. ત્યાંનાં NRG ફૂટબોલ સ્ટેડિયમમાં મોદીનો કાર્યક્રમ યોજાવાનો છે.
વ્હાઇટ હાઉસે રવિવારે મોડી રાત્રે ટ્રમ્પના મોદી શોમાં સામેલ થવાની વાતને સમર્થન આપ્યું હતું. પ્રેસ સેક્રેટરીએ કહ્યું હતું કે, અમેરિકા અને ભારત વચ્ચે મહત્ત્વના વ્યૂહાત્મક સંબંધ છે એવું બતાવવા ૨૨ સપ્ટેમ્બરે પ્રમુખ ટ્રમ્પ હ્યુસ્ટન જશે. ત્યાં તેઓ ‘હાઉડી મોદી’માં ભાગ લેશે. આ કાર્યક્રમ આપણા સપના અને ભવિષ્ય સંદર્ભે છે. હ્યુસ્ટનમાં રોકાણ દરમિયાન મોદી ટોચની એનર્જી કંપનીના સીઇઓની રાઉન્ડ ટેબલ બેઠકને પણ સંબોધશે.

વડા પ્રધાને આનંદ વ્યક્ત કર્યો

હ્યુસ્ટન ઇવેન્ટમાં પ્રમુખ ટ્રમ્પ પણ ઉપસ્થિત રહેશે તેવા અહેવાલ બાદ મોદીએ ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું હતુંઃ ૨૨ સપ્ટેમ્બરે હ્યુસ્ટનમાં ટ્રમ્પ પણ સાથે હશે, હું ખૂબ ખુશ છું. ટ્રમ્પનો આ નિર્ણય ભારત-અમેરિકાની ખાસ દોસ્તીનો સંકેત છે. હ્યુસ્ટનમાં મારી સાથે ટ્રમ્પનું હોવું અમેરિકન સમાજ અને અર્થતંત્રમાં ભારતીય સમુદાયના યોગદાનને પણ માન્યતા આપે છે.
ઇવેન્ટમાં ટ્રમ્પના જોડાવા પાછળનું કારણ રાજકીય છે. આવતા વર્ષે યુએસમાં પ્રમુખપદની ચૂંટણી છે જેમાં ટ્રમ્પ ફરી ઉમેદવારી કરે તેવી પૂરેપૂરી સંભાવના છે. ભારતીય સમુદાયની બહોળી વસ્તી ધરાવતા ટેક્સાસ સ્ટેટ અને હ્યુસ્ટન ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની વોટબેન્ક મનાય છે.

ન્યૂ યોર્કમાં લાબું રોકાણ

૨૩થી ૨૮ સપ્ટેમ્બર મોદી ન્યૂ યોર્કમાં રોકાણ કરશે, જે દરમિયાન ૨૩ સપ્ટેમ્બરે ક્લાઇમેટ એક્શન સમિટને અને ૨૭ સપ્ટેમ્બરે યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીને સંબોધશે. ૨૪ સપ્ટેમ્બરે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા સમારોહમાં તેમને વર્ષ ૨૦૧૯નો ‘ગ્લોબલ ગોલકીપર એવોર્ડ’ એનાયત થશે. ન્યૂ યોર્કમાં લાંબા રોકાણ દરમિયાન મોદી એક દિવસ વોશિંગ્ટનની મુલાકાત લે તેવી પણ શક્યતા છે.

૨૦૨૦ની પ્રમુખપદની ચૂંટણી

હ્યુસ્ટન અમેરિકાના ટેક્સાસ સ્ટેટમાં છે. આ શહેરની કુલ વસતી ૨૩ લાખ છે, જેમાં પાંચ લાખથી વધુ ભારતીય મૂળના વસાહતીઓ હોવાનું મનાય છે. આથી ટ્રમ્પ તેમના મતદારોને રાજી રાખવાના તમામ પ્રયાસો કરશે. આમ તો આ રાજ્ય ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીનો ૧૯૭૬થી ગઢ મનાય છે. જોકે છેલ્લી ચૂંટણીમાં ડેમોક્રેટ્સ તેમને અહીં જોરદાર ટક્કર આપી હતી. આથી રિપબ્લિકનને મોદી-ટ્રમ્પના મેગા શોથી ભારતીયો તેમના પક્ષમાં ઢળશે એવી આશા છે.

પાકિસ્તાનને આંચકો

નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં પ્રમુખ ટ્રમ્પની હાજરી પાકિસ્તાન માટે મોટો ઝટકો છે. કારણ કે, પાકિસ્તાન સતત કાશ્મીર મુદ્દે અમેરિકા સમક્ષ મધ્યસ્થીની માગણી કરી રહ્યું છે. પ્રમુખ ટ્રમ્પ પણ અગાઉ ચાર વાર મધ્યસ્થીની તૈયારી દર્શાવી ચૂક્યા છે. મોદી અમેરિકામાં મેગા શો કરવાના છે, ત્યારે ન્યૂ યોર્કમાં યુએનની બેઠક પણ થવાની છે. એ વખતે પાક. વડા પ્રધાન ઇમરાન ખાન પણ અમેરિકામાં હશે.

ભારત-અમેરિકા મિત્રતા

મોદી-ટ્રમ્પના મેગા શોથી આવનારા સમયમાં ભારત-યુએસના સંબંધ વધુ મજબૂત થશે. મોદીના પ્રવાસ દરમિયાન ભારત-યુએસ વચ્ચે સંરક્ષણ-વેપારને લગતા અનેક કરાર થઈ શકે છે. ટ્રમ્પ-મોદી વચ્ચે સારી કેમિસ્ટ્રી હોવાનું મનાય છે. અધિકારીઓનું કહેવું છે કે, આમંત્રણ મળ્યા પછી તુરંત જ ટ્રમ્પે તે સ્વીકારી લીધું હતું. આમ બન્ને નેતા વચ્ચે બે માસમાં આ ત્રીજી મુલાકાત હશે.

હાઉડી મોદી માટે ૫૦ હજાર લોકોની નોંધણી

હ્યુસ્ટન અમેરિકાનું ચોથું સૌથી મોટું શહેર છે. આ સાથે જ તે એનર્જી કેપિટલ તરીકે પણ જાણીતું છે. ભારત ઊર્જાનો મોટો આયાતકાર દેશ છે અને પહેલેથી હ્યુસ્ટનમાંથી મોટા પાયે તેલ અને ગેસ ખરીદાઈ રહ્યો છે. ‘Howdy Modi’ કાર્યક્રમ હ્યુસ્ટનના એનઆરજી ફૂટબોલ સ્ટેડિયમમાં યોજાઇ રહ્યો છે, જેમાં હાજર રહેવા ૫૦ હજારથી વધુ ભારતીયો રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે, અને આ આંકડો હજુ ઊંચો જવાની શક્યતા છે. આ કાર્યક્રમ ટેક્સાસ ઇન્ડિયા ફોરમ દ્વારા યોજાઈ રહ્યો છે.

યુએસમાં ત્રીજો મેગા ઇવેન્ટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો અમેરિકામાં ત્રીજો મોટો કાર્યક્રમ હશે. આ પહેલા ૨૦૧૪માં ન્યૂ યોર્કના મેડિસન સ્કવેરમાં મોદીએ લોકોને સંબોધિત કર્યા હતા, જ્યારે ૨૦૧૬માં કેલિફોર્નિયામાં કાર્યક્રમ કર્યો હતો. બન્ને ઇવેન્ટમાં ૨૦ હજાર લોકો એકત્ર થયા હતા. હ્યુસ્ટનનો કાર્યક્રમ આ બન્ને ઇવેન્ટ કરતાં ઘણા મોટા પાયા પર યોજાઇ રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter