આ માઇલસ્ટોન માત્ર અંતર જ નહીં, કરુણા અને સંવેદનશીલતા પણ દર્શાવે છે

Saturday 18th March 2017 07:52 EDT
 
 

ગોંડલઃ આ સાથે રજૂ કરેલી તસવીરમાં એક મહિલાએ ઘાસનો ભારો એક પથ્થર પર મૂક્યો છે. એ પથ્થરનું નામ છે ‘થાકલા’. હકીકતમાં આ એક અલગ પ્રકારનો માઇલસ્ટોન છે. નજીકના ગામનું અંતર દર્શાવતા આ માઇલસ્ટોનની કથા ખૂબ રસપ્રદ છે.
ગોંડલના પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિંહજી એક વખત ગોંડલ ગામના પાદરમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે રસ્તા પર થાક ઉતારવા બેઠેલા એક ડોશીમાએ તેમને માથે ભારો ચડાવવામાં મદદ કરવા વિનંતી કરી. રાજા હોવા છતાં સાચા અર્થમાં જે કોમનમેન હતા એવા ભગવતસિંહજી મહારાજે પોતાની ઓળખ આપ્યા વગર ભારો ડોશીમાના ચડાવી દીધો.
એ સમયે ડોશીમા બોલ્યા, ‘ભગાબાપુ (ભગવતસિંહજી નામે ઓળખાતા, નામ આગળ માનનીય કે આદરણીય કે પાછળ જી લાગતું) થોડા થોડા અંતરે થાકલા બનાવી દે તો કોઇની મદદની જરૂર ન પડે.’ બાપુએ આ બરાબર યાદ રાખ્યું. રૈયત પ્રત્યે અપાર કરુણા ધરાવતા રાજવીએ રાજ્યના તમામ રસ્તાઓ પર એક-એક કિલોમીટરના અંતરે માણસના ખભાની ઊંચાઇના બે મોટા ઊભા પથ્થરો પર એક આડો પથ્થર મુકાવી થાકલા ઊભા કરી દીધા. દરેક થાકલા પર નજીકના ગામોના અંતર લખ્યા.
ગુજરાતના કદાચ આ પ્રથમ માઇલસ્ટોન હતા. સર ભગવતસિંહજીએ રૈયતની સુખાકારી માટે ઊભા કરેલા થાકલા આજે પણ ગરીબોનો થાક ઉતારવામાં ખૂબ ઉપયોગી થઇ રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter