દેવાસઃ મધ્ય પ્રદેશના દેવાસનાં દાદી રેશમબાઇ તંવર આજકાલ સોશ્યલ મીડિયામાં છવાઇ ગયાં છે. જે કોઇ પણ તેમનો વીડિયો નિહાળે છે એ તેમના ફેન થઇ જાય છે. દાદી ખૂબ જ મોજથી કાર ચલાવે છે. કાર તો ઘણા દાદીમા ચલાવતા હોય છે, પરંતુ રેશમદાદી ૯૫ વર્ષનાં છે. એટલું જ નહીં, તેઓ આ ઉંમરે કાર ચલાવતાં શીખ્યાં ને હવે પોતાનો શોખ પૂરો કરતાં દેવાસના રસ્તાઓ પર જોઈ શકો છો.
દાદી રેશમબાઇને જે પણ વ્યકિત કાર ચલાવતા જુએ છે તે દંગ રહી જાય છે. રેશમબાઇનો વીડિયો હવે વાયરલ થયો છે અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ ટ્વિટ કરીને તેમનો ઉત્સાહ વધાર્યો છે. દાદીએ કાર ડ્રાઇવિંગ લાઇસન્સ માટે એપ્લાય કર્યું છે. ૧૦ વર્ષ પહેલાં રેશમબાઈ ટ્રેકટર ચલાવતા પણ શીખી ચૂકયાં છે અને એન્ડ્રોઇડ ફોનના ઉપયોગમાં પણ માહેર છે.
ઉંમરના આ પડાવ પર મોટા ભાગના લોકો જિંદગીના છેલ્લા શ્વાસ ગણતા હોય છે, ઇશ્વરનાં તેડાંની રાહ જોતા હોય છે ત્યારે રેશમબાઇ પૂરજોશથી જિંદગી જીવવાના ઉત્સાહ સાથે થનગને છે.
રેશમબાઇ દેવાસથી ૮ કિલોમીટરના અંતરે આવેલા બિલાવલીનાં રહેવાસી છે. તેમને કાર ચલાવવાનો શોખ થયો તો ઈચ્છા દીકરાને જણાવી. દીકરાએ પણ તાત્કાલિક પોતાની માતાની ઈચ્છા પૂરી કરી. ઉત્સાહ તો એટલો હતો કે દાદીએ કાર ચલાવવાનું ત્રણ જ મહિનામાં શીખી લીધું અને હવે તેઓ કાર ચલાવવામાં માહેર થઈ ગયા છે. જોકે, તેઓ ૨૦ કિલોમીટરથી વધારે કાર નથી ચલાવી શકતા. આ ઉપરાંત અતિશય ભીડભાડવાળા સાંકડા રસ્તાઓને બદલે મેઇન રોડ કે ફોર-લેન હાઇવે પર જ કાર ચલાવવાનું પસંદ કરે છે.
આ જ દાદીમા લગભગ ૧૦ વર્ષ પહેલાં ટ્રેકટર ચલાવવાની શીખી ચૂક્યાં છે. તાજેતરમાં તેમણે બિલાવલીથી દેવાસ સુધી કાર ચલાવી હતી. આ સમયે કેટલાક લોકોએ તેમનો વીડિયો ઉતાર્યો હતો જે હવે વાયરલ થઈ ગયો છે. રેશમબાઈ સમયની સાથે ચાલી રહ્યાં છે, અને તેઓ એન્ડ્રોઇડ ફોન પણ ઓપરેટ કરે છે.
દાદીમાનો વીડિયો જેવો વાયરલ થયો કે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સુધી પહોંચી ગયો. તેમણે ટ્વિટ કરતાં લખ્યું કે, માતાએ અમને સૌને પ્રેરણા આપી છે કે પોતાની અભિરુચિ પૂરી કરવામાં ઉંમરનું કોઈ બંધન નથી હોતું. ઉંમર ભલે ગમેતેટલી હોય, જીવન જીવવાનો ઉત્સાહ હોવો જોઈએ.