ઋષિકેશઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના બહેન વસંતીબહેન અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મોટા બહેન શશી દેવી રવિવારે એકમેકને મળ્યાં તે સમાચાર સોશિયલ મીડિયામાં છવાયા છે. વસંતીબહેન સપરિવાર ઉત્તરાખંડના ઋષિકેશની મુલાકાતે ગયા હતાં. પતિ હસમુખભાઇ અને કેટલાક સંબંધીઓ સાથે વસંતીબહેન પૌરી ગઢવાલના કોઠાર ગામ પાસેના પ્રખ્યાત નીલકંઠ મહાદેવ મંદિર અને ભુવનેશ્વરી મંદિરની મુલાકાત લીધી. પાછા ફરતાં તેઓ શશી દેવીની દુકાને પહોંચ્યાં હતાં. દેશના બે મોટા નેતાઓની બહેનોએ એકબીજાની સાથે સમય વિતાવ્યો હતો. મોદીનાં બહેને શશી દેવીની નમ્ર જીવનશૈલીની પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે બંને નેતાઓના પરિવાર લાઇમલાઇટની દૂર રહે છે. શશી દેવી ઉત્તરાખંડના કોઠાર ગામમાં રહે છે અને માતા ભુવનેશ્વરી પ્રસાદ ભંડાર નામથી નાનકડી દુકાન ચલાવે છે. અહીં તે સિંદૂર, ઘંટ અને પૂજાપાની વસ્તુઓ વેચે છે. તેમના પતિ જય શ્રી ગુરુ ગોરક્ષનાથજીના નામની ચાની નાની દુકાન ચલાવી જીવનનિર્વાહ કરે છે. યોગાનુયોગ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખપુરના ગોરખનાથ મંઠના મહંત છે.