જયપુર: પગમાં પેન ફસાવીને બોર્ડ પર લખી રહેલા આ વ્યક્તિત્વનું નામ છે - કૃષ્ણા. આ વ્યક્તિ ખરા અર્થમાં એક પીડાદાયક, પણ પ્રેરણાદાયી કહાનીનું પાત્ર છે. એક દુર્ઘટનાએ નાનપણમાં જ તેના બન્ને હાથ છીનવી લીધા હતા. કોરોના મહામારી વેળા માતાને ગુમાવ્યા. અને વૃદ્ધ પિતા માનસિક બીમાર છે. આ બધું ઓછું હોય તેમ એમ.એ. અને બી.એડ. જેવી ઉચ્ચ ડિગ્રી છતાં પણ કૃષ્ણા બેરોજગાર છે.
જીવનનિર્વાહ માટે કોઇ નિયમિત આવક નથી. પોતે ભલે વિવશ છે, પરંતુ જરૂરિયાતવાળા, નિરાશ્રિત બાળકો માટે તે જાણે દેવદૂત સમાન છે. છેલ્લા ચાર વર્ષથી કૃષ્ણા ગરીબ-નિરાશ્રિત બાળકોને ભણાવી રહ્યો છે. બન્ને હાથ નથી, પણ પગથી લખે છે અને બાળકો પણ ઉત્સાહભેર ભણે છે. સૌથી વિશેષ બાબત તો એ છે કે પોતાની તદ્દન નબળી આર્થિક હાલત છતાં કૃષ્ણા આ ક્લાસ દરરોજ વિનામૂલ્યે ચલાવી રહ્યો છે.
આ પાઠશાળા રાજસ્થાનના કરૌલી ગામના સાયપુરમાં આવેલા કૃષ્ણાના ઘરે ચાલે છે. રવિવારે પણ ક્લાસ ચાલુ રહે છે. આ અનોખા ક્લાસ અંગે કૃષ્ણાએ એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘જિંદગીથી કોઈ ફરિયાદ નથી. ખૂબ તકલીફો ભોગવી છે. આ બાળકોને ભણાવીને હું આવતા જન્મ માટે પુણ્ય ભેગું કરી રહ્યો છું.’ કૃષ્ણા કહે છે કે તે જ્યારે પાંચ વર્ષનો હતો ત્યારે હાથ ઇલેક્ટ્રિક મોટરમાં આવી ગયા. જીવ બચાવવા માટે બન્ને હાથ કાપવા પડ્યા. મા-બાપે મજૂરી કરીને ભણાવ્યો, પરંતુ કપાયેલા હાથોએ સંઘર્ષને વધુ મુશ્કેલ બનાવી દીધો. કૃષ્ણા કહે છે કે અનેકવાર સ્થિતિ એવી પણ થઈ કે તેણે જીવન ટૂંકાવવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ બચી ગયો.
દુર્ઘટનામાં બન્ને હાથ ગુમાવ્યા બાદ નાનપણથી નિત્યક્રમ સહિતની દિનચર્યા માટે માતાનો સહારો હતો, પરંતુ કોરોનામાં તેમનું પણ નિધન થયું. હવે પિતાજી માંદગીના બિછાને છે. મારા પગથી તેમના હાથ-પગ દબાવી લઉં છું. મોટા ભાઈ મજૂરી કરીને મારો પણ નિભાવ કરી રહ્યા છે.
કૃષ્ણા કહે છે કે ઈચ્છા તો છે કે કોઇ સરકારી નોકરી મળી જાય, પરંતુ ઈશ્વર જે કરે તે ખરું. હાલ તો ઘરે બેસીને આ બાળકોને ભણાવી રહ્યો છું અને મારા જ્ઞાનનો લાભ આ બાળકોને આપી રહ્યો છું. દરરોજ 30-40 બાળકો અહીં ભણવા આવે છે, જેમાં સરકારી સ્કૂલના બાળકોનો પણ સમાવેશ થાય છે.