એન્જિનિયરની રજાચિઠ્ઠી ‘સાહેબ, રવિવારે નોકરીએ નહીં આવું, ભીખ માગી અહંકાર ઓગાળવો છે...’

Saturday 16th October 2021 03:08 EDT
 

ભોપાલ: ‘માનનીય સાહેબ, દર રવિવારે હું નોકરી પર નહીં આવી શકું, કારણે કે મારે ઘરે ઘરે ફરીને, ભીખ માંગીને મારો અહંકાર ઓગાળવો છે અને મારે મારો પૂર્વજન્મ પણ જાણવો છે. જેમાં અસદુદ્દીન ઔવેસી નકુલ હતા, મારા મિત્ર હતા અને મોહન ભાગવત શકુનિ હતા...’ આ પ્રકારની વિચિત્ર, પણ રસપ્રદ રજા અરજી મધ્ય પ્રદેશના માળવા જિલ્લાના એક સરકારી ડેપ્યુટી એન્જિનિયરે કરી છે, જે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગઈ છે.
ડેપ્યુટી એન્જિનિયરે અરજીમાં થોડી વધુ વિગતે વાત કરતાં વિગતવાર જણાવ્યું છે કે મને છેલ્લા કેટલાક સમયથી સપનામાં અલપઝલપ પૂર્વજન્મ દેખાઈ રહ્યાો છે. મારે મારા પૂર્વજન્મ વિશે સંપૂર્ણ જાણકારી મેળવવા માટે શ્રીમદ ભગવદ ગીતાનું અધ્યયન ચાલુ કરવું છે. આ કારણસર મને આશા છે કે આપશ્રી મારી દર રવિવારની રજા મંજૂર કરશો...’
ડેપ્યુટી એન્જિનિયરે લખેલી આ અફલાતુન અને ફળદ્રૂપ ભેજાની ઉપજ જેવી રજા અરજીનો તેના ઉપરીએ પણ એટલો જ રસપ્રદ જવાબ આપ્યો છે. વાંચો આગળ...
જનપદ પંચાયતના સીઈઓ પરાગ પાંથીએ રજા અરજીના જવાબમાં લખ્યું છેઃ તમારી અરજી વાંચી. તમારા અહંકારને ઓગાળવાની તમારી ઈચ્છા પૂર્ણ કરવામાં મદદરૂપ થતાં અમને ખૂબ જ આનંદ થશે. માનવી પોતાનું ધાર્યું થશે એમ માની લે એ પણ તેનો અહંકાર જ દર્શાવે છે, તેથી તમારે તમારો અહંકાર ઓગાળવો હોય તો સૌથી પહેલાં તો તમારું ધાર્યું ન થાય તે ઇચ્છનીય છે. રવિવારે રજા રાખીને ભીખ માગવાનું તમે ધાર્યું છે તેમ ન થવા દઈને રવિવારે કામ કરીને તમે તમારો અહંકાર ઓગાળી શકશો. તમારો અહંકાર ઓગાળવામાં હું પણ મદદરૂપ થવા માગું છું. તેથી રવિવારે અચૂક હાજર રહેવાનો આદેશ કરવામાં આવે છે...’ સ્વાભાવિક છે કે ઉપરીનો આ જવાબ પણ સોશિયલ મીડિયામાં એટલો જ વાઈરલ થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter