ઓડિશામાં ૩ હાથ અને ૨ માથાવાળી બાળકી જન્મી

Thursday 22nd April 2021 05:36 EDT
 

ભુવનેશ્વરઃ ઓડિશાના કેન્દ્રપાડામાં એક મહિલાએ પ્રાઈવેટ નર્સિંગ હોમમાં અનોખી બાળકીને જન્મ આપ્યો છે. આ બાળકીને બે માથાં અને ત્રણ હાથ છે. તેના બંને ચહેરાના નાક, મોં સંપૂર્ણપણે વિકસિત છે. રાજનગરના કાની ગામમાં રહેતા ઉમાકાંત પરીદા તથા તેમની પત્ની અંબિકાને ત્યાં આ દુર્લભ મેડિકલ કન્ડિશન સાથેની બાળકી જન્મી છે. પરીદા દંપતીનું આ બીજું સંતાન છે.
બાળકીના જન્મ બાદ તેને અને માતાને પહેલાં કેન્દ્રપાડાની ડિસ્ટ્રિક્ટ હેડ ક્વાર્ટર હોસ્પિટલમાં અને પછી વિશેષ સારસંભાળ માટે કટકની સરદાર વલ્લભભાઈ પટેલ પીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પીડિયાટ્રિક્સ ખાતે લઈ જવાયા હતા. 

ડિસ્ટ્રિક્ટ હેડ ક્વાર્ટર હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડો. દેબાશીષ સાહૂએ જણાવ્યું કે બાળકી સ્વસ્થ છે અને બંને મોં વડે ફીડિંગ કરી રહી છે. તે બંને નાકથી શ્વાસ પણ લઈ રહી છે. આ વાસ્તવમાં જોડકી બહેનો છે, જેમનું શરીર જોડાયેલું છે. બાળકીના પિતા ઉમાકાંતે તેની સારવાર માટે મદદ કરવા ઓડિશા સરકારને અપીલ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter