નવી દિલ્હીઃ હાલ ભારતમાં કાળઝાળ ગરમી લોકોના હાલ બેહાલ કરી રહી છે, ત્યારે સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો સામે આવ્યો છે જે હૃદયને સ્પર્શી જાય તેવો છે. આકરા તાપથી બચવા માટે એક દુકાનદારે પોતાની દુકાનની અંદર રખડતા શ્વાનોને આશરો આપ્યો હતો. જે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાયરલ થયેલા આ વીડિયોમાં દુકાનની અંદર લગભગ નવથી દસ શેરી કૂતરાઓ ખૂબ જ શાંતિથી આરામ કરતા જોવા મળે છે. કોઈ જમીન પર સૂતું છે તો કોઈ ટેબલ પર નિરાંતે ઊંઘી રહ્યું છે. આસપાસ બેઠેલા ગ્રાહકો પણ તેમની હાજરીથી અગવડ અનુભવવાને બદલે સહજતાથી પોતાનું કામ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સના મતે, આ કોઈ મોટું અભિયાન નથી, પરંતુ રોજિંદા જીવનમાં જોવા મળતી માનવતા - કરુણાનું ઉત્તમ ઉદાહરણ છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે મૂંગા પશુઓ માટે કરાયેલી એક નાનકડી મદદ પણ તેમના માટે જીવનરક્ષક બની શકે છે.


