નવી દિલ્હીઃ ભારત સરકારની કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ (સીએસઆઈઆર) અંતર્ગત કામ કરતા સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરામિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે કાચના કચરામાંથી ઇકોફ્રેન્ડલી ઈંટ વિકસાવીને અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.
ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ કાચના નકામા ટુકડાઓમાંથી વિકસાવેલી આ ગ્લાસ ફોમ બ્રિક પર્યાવરણને અનુકૂળ હોવા ઉપરાંત વજનમાં હલકી, ટકાઉ અને બજેટ-ફ્રેન્ડલી પણ છે. એક રિપોર્ટ અનુસાર, ભારતમાં દર વર્ષે લગભગ 21 બિલિયન ટન કાચનો કચરો ઉત્પન્ન થાય છે, જેમાંથી માત્ર 45 ટકા જ રિસાઈકલ થઈ શકે છે. મતલબ કે અડધાથી પણ વધુ કચરો પર્યાવરણ માટે ખતરો બની રહે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, સંસ્થાના સ્પેશિયાલિટી ગ્લાસ ડિવિઝનના ચીફ સાયન્ટિસ્ટ ડો. આશિષ કુમાર મંડલ અને તેમની ટીમે 2019-20માં આ દિશામાં સંશોધન શરૂ કર્યું હતું. અને હવે તેમની મહેનત રંગ લાવી છે. મંડલની ટીમે પાંચ વર્ષની આકરી જહેમતના અંતે આવી ઈંટ વિકસાવવામાં સફળતા મેળવી છે.
ગ્લાસ ફોમ બ્રિકની પ્રોસેસ અને વિશેષતા
ડો. મંડલ જણાવે છે કે જૂની ટ્યુબલાઇટ, બારીઓ, કારના તૂટેલા કાચ સહિત કોઇ પણ પ્રકારના કાચને પાઉડરમાં બદલીને તેમાં ફોમિંગ એજન્ટ્સ મિશ્રિત કરાય છે. ત્યારબાદ તેને 700 ડિગ્રી સેલ્સિયસ પર 10-12 કલાક સુધી હીટ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. ત્યારબાદ ઇંટ તૈયાર થઈ જાય છે. તે સામાન્ય ઇંટ કરતાં હલકી, મજબૂત અને એકદમ સુરક્ષિત છે.
મકાન બાંધકામમાં ઉપયોગમાં લેવાતી સામાન્ય ઇંટનું વજન 1થી 1.5 કિલો હોય છે, જ્યારે ગ્લાસ ફોમ બ્રિકનું વજન માત્ર 700-800 ગ્રામની હોય છે, છતાં તેની મજબૂતીમાં કોઇ ફરક પડતો નથી. વળી, આ ઈંટનો ઉપયોગ મકાનો અને ઓફિસોમાં એસી સહિતના વીજવપરાશનું બિલ 20-25 ટકા સુધી ઘટાડી શકે છે.
આ ઈંટ ભૂસ્ખલનનું જોખમ ધરાવતા વિસ્તારોમાં અસરકારક છે. ભૂસ્ખલનની શક્યતા વાળા વિસ્તારોમાં આ હલકી ઇંટનો વપરાશ પર્વતો પર દબાણ ઘટાડી શકે છે. જ્યારે લેહ-લદ્દાખ જેવા વિસ્તારોમાં આર્મી બંકરો માટે તે કારગર સાબિત થશે. સંશોધકોનો દાવો છે કે આ ગ્લાસ બ્રીક લાંબા ગાળે સસ્તી અને ફાયદાકારક સાબિત થશે.