કાશ્મીરમાં દુનિયાનો સૌથી ઊંચો બ્રિજઃ આર્કનું કામ પૂર્ણ

Wednesday 07th April 2021 07:12 EDT
 
 

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરને ભારત સાથે રેલમાર્ગે જોડવા માટે જમ્મુની ચિનાબ નદી પર વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ સાકાર થયો છે. રિયાલી જિલ્લામાં બાક્કાલ અને કૌરીને જોડતા આ બ્રિજની આર્કનું કામ પૂરું કરીને એન્જિનિયરોએ ઈતિહાસ રચી દીધો છે. આ બ્રિજ બંને તરફથી જોડી દેવાયો છે, જે કન્યાકુમારીને સીધું કાશ્મીર સાથે જોડશે. કોરોના વાઈરસના આ પડકારજનક સમયમાં પણ કોંકણ રેલવે કોર્પોરેશન લિ. દ્વારા આ આર્કની કામગીરીને આખરી ઓપ અપાયો છે. રેલવે મંત્રાલય અને રેલવે પ્રધાન પિયૂષ ગોયલે તેનો એક વીડિયો ટ્વિટર પર પણ શેર કર્યો છે. આ આઈકોનિક આર્ક બ્રિજની કુલ લંબાઈ ૧૩૧૫ મીટર છે, જે નદીથી ૩૫૯ મીટર ઊંચે છે. તેના પિલ્લરની ઊંચાઈ ૧૩૧ મીટર છે. તેમાં મુખ્ય આર્ક સ્પાન ૪૬૭ મીટરનો છે, જ્યારે બીજા ૧૭ સ્પાન છે.

બ્રિજ પર રોશનીનો નજારો

આધુનિક એન્જિનિયરિંગના ચમત્કાર સમાન આ રેલવે બ્રિજ એફિલ ટાવર કરતાં પણ આશરે ૧૧૫ ફૂટ ઊંચો છે. ચિનાબ નદીના પટથી ૩૫૯ મીટરની ઊંચાઈ પર આવેલા વક્રાકારના બ્રિજની કુલ લંબાઈ ૧.૩૧૫ કિમીની છે અને તેનો મુખ્ય આર્ક સ્પાન ૪૬૭ મીટરનો છે. સિસ્મિક ઝોનમાં આવેલા વિસ્તારને ધ્યાનમાં રાખીને ભૂકંપના આંચકા સહન કરી શકે તેવી ટેક્નોલોજીનો ઉપયોગ રેલવેએ કર્યો છે. બ્રિજનું બાંધકામ બ્લાસ્ટ પ્રૂફ છે અને તેના પર ૧૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડી શકશે. તેનું અંદાજિત આયુષ્ય ૧૨૦ વર્ષનું છે અને ૨૬૬ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનોમાં આ બ્રિજન અડીખમ રહેશે તેવો દાવો કરવામાં આવ્યો છે. ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર થયેલા આ બ્રિજના બંને છેડાના સ્ટીલ આર્ક હવે જોડાઈ ચૂક્યા છે અને પૂરઝડપે પુલને આખરી ઓપ અપાઇ રહ્યો છે. અંધકારમાં રોશનીથી ઝળહળતો આ રેલવે બ્રિજ બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે અને સોશિયલ મીડિયામાં તેની તસવીરો વાઈરલ બની રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter