રુદ્રપ્રયાગઃ કેદારનાથ ધામમાં જૂન 2013માં સર્જાયેલી દુર્ઘટના વેળા પર્વત પરથી પડેલા ખડકોએ વિનાશ સર્જ્યો હતો. હવે, આ ખડકો શ્રદ્ધાનું કેન્દ્ર બનવા જઈ રહ્યા છે. કેદારનાથ મંદિરની પાછળ અલગ અલગ સ્થળોએ પડેલા આ ખડકો પર ભગવાન શિવના વિવિધ સ્વરૂપો કંડારાઇ રહ્યા છે. દક્ષિણ ભારતના 20 શિલ્પકારોએ આ નિર્જીવ ખડકોમાં ખરેખર જીવ ફૂંક્યો છે એમ કહો તો પણ ખોટું નથી. અહીં પથ્થરોના કદને અનુરૂપ 31 આકૃતિઓ કંડારવામાં આવી છે. અહીંનો નજારો જાણે કૈલાસધામની અનુભૂતિ કરાવે છે. આ સ્થળે એક શિવ બગીચો પણ બનાવવામાં આવી રહ્યો છે. જેમાં ભગવાન શિવજીના બારેય જ્યોતિર્લિંગોની પ્રતિમાઓ પણ સ્થાપિત કરવામાં આવશે. સાથે સાથે જ વિવિધ પ્રજાતિના રંગબેરંગી ફૂલો પણ વાવવામાં આવશે. ખરેખર તો સમગ્ર યોજનાના મૂળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિચાર છે. તેમના ડ્રીમ પ્રોજેક્ટને સાકાર કરવા અહીં 700 કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ તબક્કામાં પુનર્નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
પ્રોજેક્ટ અંતર્ગત શિવ બગીચામાં 100 મીટરના વિસ્તારમાં ફૂટપાથ, એક ઓપન એર થિયેટર, યોગ અને ધ્યાન માટેની વ્યવસ્થા પણ કરવામાં આવશે.


