કેરળની આ ઇસ્લામિક સંસ્થામાં બાળકો ગીતા તથા વેદ પણ ભણે છે, અને સંસ્કૃતમાં વાતો કરે છે

Tuesday 15th November 2022 09:06 EST
 
 

નવી દિલ્હીઃ ભારત એટલે અનેકતામાં એકતાનું પ્રતીક. ધર્મ - સંસ્કાર અને સંસ્કૃતિમાં બહુવિધતા છતાં આમ આદમી એકતાંતણે બંધાયેલો છે. કેરળની જ વાત લોને... રાજ્યના ત્રિશૂર જિલ્લામાં ભાઈચારાનું મોટું ઉદાહરણ સામે આવ્યું છે. અહીં એક ઇસ્લામિક સંસ્થામાં લાંબા સફેદ વસ્ત્ર પહેરેલા અને માથા પર સાફા બાંધીને બેઠેલા વિદ્યાર્થીઓ હિન્દુ ગુરુઓની દેખરેખમાં સંસ્કૃતના અસ્ખલિત શ્લોક અને મંત્ર બોલતા જોવા મળે છે.
આ સંસ્થામાં વિદ્યાર્થીઓ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ ભણે છે. વિદ્યાર્થીઓ વિભિન્ન શ્લોકનો પાઠ પૂરો કરી લે છે તો શિક્ષક સંસ્કૃતમાં તેમને ‘ઉત્તમ’ કહીને બિરદાવે છે. એટલું જ નહીં, કલાસમાં વિદ્યાર્થીઓ અને શિક્ષક વચ્ચે વાતચીત પણ સંસ્કૃતમાં જ થાય છે.
મલિક દિનાર ઇસ્લામિક કોમ્પલેક્સ દ્વારા સંચાલિત એકેડમી ઓફ શરિયા એન્ડ એડવાન્સ સ્ટડીઝના પ્રાચાર્ય ઓનામ્પિલિ મુહમ્મદ ફૈઝી કહે છે કે સંસ્કૃત, ઉપનિષદ, પુરાણ વગેરે વિદ્યાર્થીઓને ભણાવવાનો ઉદ્દેશ તેમનામાં અન્ય ધર્મ અંગે જ્ઞાન અને જાગરુકતા પેદા કરવાનો છે. અહીં વિદ્યાર્થીઓને સંસ્કૃત ભણાવવાનું વધુ એક કારણ એ પણ છે કે ફૈઝીનું ખુદનું શૈક્ષણિક બેકગ્રાઉન્ડ સંસ્કૃત છે. તેણે શંકર દર્શનનો અભ્યાસ કર્યો છે.

પાયાનું જ્ઞાન પ્રદાન કરવાનો ઉદ્દેશ
ફૈઝી કહે છે કે મેં અનુભવ્યું છે કે વિદ્યાર્થીઓને અન્ય ધર્મ અને તેના રીતરિવાજો તથા પ્રથાઓ અંગે જાણકારી હોવી જોઈએ. જોકે આઠ વર્ષની શિક્ષણ અવધિમાં સંસ્કૃતની સાથોસાથ ઉપનિષદ, શાસ્ત્ર, વેદોનો ઊંડો અભ્યાસ સંભવ નથી. જોકે ફૈઝી કહે છે કે મારો ઉદ્દેશ આ વિદ્યાર્થીઓને પાયાનું જ્ઞાન પ્રદાન કરવાનો છે. અને સાથોસાથ અન્ય ધર્મ અંગે જાગરુકતા પેદા કરવાનો છે.

હિન્દી અને ઊર્દૂ પણ અભ્યાસમાં સામેલ
ફૈઝી કહે છે કે દસમું ધોરણ પાસ કર્યા બાદ આઠ વર્ષના સમયગાળામાં વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા, ઉપનિષદ્, મહાભારત, રામાયણના મહત્ત્વપૂર્ણ અંશ સંસ્કૃતમાં ભણાવવામાં આવે છે. આ ગ્રંથોનું ચયનાત્મક શિક્ષણ એટલા માટે અપાય છે કેમ કે આ સંસ્થા મુખ્ય રૂપથી શરિયા કોલેજ છે. આ સંસ્થાન કાલીકટ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે અને અહીં હિન્દી અને ઊર્દૂ પણ ભણાવવામાં આવે છે.

સંસ્કૃતવિદ્ ફેકલ્ટીની અછત
ફૈઝી કહે છે કે બાળકો અને તેમના માતાપિતાને સંસ્કૃતના શિક્ષણ સામે તો કોઈ વિરોધ હોતો નથી, પણ સૌથી મોટો પડકાર બાળકો માટે સંસ્કૃતમાં સારામાં સારું શિક્ષણ આપી શકે તેવા શિક્ષકો શોધ હોય છે. અમે સાત વર્ષ અગાઉ સંસ્કૃતનો અભ્યાસ તો શરૂ કરી દીધો, પણ લાયક ફેકલ્ટીના અભાવે અમારી સાત શાખાઓમાંથી ફક્ત એકમાં જ સંસ્કૃતનો અભ્યાસ થઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter