તિરુપુરઃ કોરોના લોકડાઉનના દિવસોમાં ઘણાએ નવરા બેઠા નખ્ખોદ વાળે કહેવતને સાર્થક કરી હશે, પરંતુ કેટલાક ફળદ્રુપ ભેજા એવા પણ હોય છે જેઓ પોતાના ક્રિએટિવ દિમાગને કામે લગાડીને કટોકટીમાંથી પણ કમાણીનો રસ્તો શોધી લેતા હોય છે. કંઇક આવો જ કિસ્સો તમિલનાડુમાં બન્યો છે.
કોરોનાને કારણે ભારતભરમાં લગ્નના કોમ્યુનિટી હોલ, જ્ઞાતિની વાડી કે બેન્કવેટ હોલને તાળા વાગી ગયા છે. તો તમિલનાડુમાં તિરુપુરના ઉડુ મલપેટમાં રહેતા આર્ટ ડાયરેક્ટર અબ્દુલ હકીમે પોતાનું દિમાગ લડાવીને મોબાઈલ વેડિંગ હોલનો કન્સેપ્ટ રજૂ કર્યો છે.
જે પરિવારમાં લગ્ન હોય અને ફોન કરે એટલે અબ્દુલ હકીમ નાના ટ્રક પર બનાવેલો આ હરતોફરતો વેડિંગ હોલ લઇને ત્યાં પહોંચી જાય છે. આ ટ્રકની સાથે તેણે સાથે જ તેણે ૫૦ મહેમાનો માટે કેટરિંગ અને બેઠકની વ્યવસ્થા પણ કરી છે. સ્થળ પર પહોંચ્યા પછી એક કલાકમાં ટ્રક ડેકોરેશનનું કામ પૂરું થાય છે. સ્ટેજ પર ચડવા સીડી તો હોય જ છે. સાથોસાથ આ મોબાઇલ મેરેજ હોલ મલ્ટિલાઈટ સિસ્ટમ, કારપેટ અને સાઉન્ડ સિસ્ટમથી પણ સજ્જ છે.
લગ્નવિધિ સંપન્ન થયા બાદ અહીં જ રિસેપ્શન પણ યોજી શકાય છે. નવદંપતીને શુભેચ્છા આપવા જતા મહેમાનોને સ્ટેજ પર જતાં પહેલા સેનિટાઈઝર અને માસ્ક પણ અપાય છે. અબ્દુલ હકીમ સવા બે લાખ રૂપિયાના પેકેજમાં લગ્ન પણ કરાવી દે છે, રિસેપ્શન પણ યોજી દે છે અને મહેમાનોને બે ટાઈમ જાતભાતના વ્યંજનો પણ જમાડી દે છે.